રીપોર્ટ@દેશ: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 લોકોના ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હરિયાણાના નૂંહ જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર આજે સવારે એક ભીષણ માર્ગ અકસ્માત થયો હતો. આ ઘટનામાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં અને 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. મૃતકોના મૃતદહેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. તેમજ ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ આરોપી ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આજે સવારે 10 વાગ્યાની આસપાસ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર નૂહ પોલીસ સ્ટેશનની ફિરોઝપુર ઝીરકા બોર્ડર પર ઇબ્રાહિમવાસ ગામ નજીક એક બેકાબૂ પીક-અપ વાહને 6 મહિલાઓ સહિત 11 સફાઈ કર્મચારીઓને કચડી નાખ્યા હતાં. આ દુ:ખદ માર્ગ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સિવાય ગંભીર રીતે ઈજાગ્રસ્ત ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમની સ્થિતિ ગંભીર છે. મૃતકોની હજુ સુધી ઓળખ થઈ નથી.
પોલીસ અને સ્થાનિક લોકો અનુસાર, અકસ્માત બાદ પીક-અપ ડ્રાઇવર ગાડીને ત્યાં જ મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસ ડ્રાઇવરની શોધખોળ કરી રહી છે. આ સાથે જ એક્સપ્રેસ-વે પર લાગેલા સીસીટીવીના આધારે પોલીસ ડ્રાઇવરની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે તેમજ અકસ્માતનું કારણ શોધી રહી છે. પોલીસનું કહેવું છે કે, મૃતક જે કોન્ટ્રાક્ટરોની હેઠળ કામ કરતા હતાં, તે હજુ સુધી સામે નથી આવ્યો. કોન્ટ્રાક્ટરના સામે આવ્યા બાદ ઈજાગ્રસ્તો અને મૃતકોની ઓળખ થઈ શકશે. મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.