રીપોર્ટ@દેશ: આસામમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની, 24 કલાકમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અસમમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. છેલ્લા 24 કલાકમાં પૂરના કારણે વધુ 21 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે ચાલુ વર્ષે પૂરથી મૃત્યુ પામનારાઓનો કુલ આંકડો 31 પર પહોંચી ગયો છે. અસમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના બુલેટિન મુજબ, રાજ્યના 16 જિલ્લાઓમાં 5.64 લાખથી વધુ લોકો પૂરના પાણીમાં ઘેરાયેલા છે.શિવસાગર જિલ્લામાં પૂરથી સૌથી વધુ તારાજી સર્જાઈ છે, જ્યાં 13 લોકોના મોત થયા છે અને 3.59 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.
આ સિવાય જોરહાટમાં 87 હજાર અને ચરાઈદેવમાં 72 હજારથી વધુ લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. રાજ્યના 44 રેવન્યુ સર્કલ હેઠળના 872 ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રાહત કામગીરી માટે 71 રિલીફ કેમ્પ અને 202 રાહત વિતરણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું છે કે તેઓ પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લઈને સ્થળ પર જઈને બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરશે.
કટોકટીના સમયે રોકડ રકમ, મોબાઈલ ચાર્જર, પીવાનું ચોખ્ખું પાણી, સૂકો ખોરાક, ટોર્ચ, પ્રાથમિક સારવારની દવાઓ અને મહત્વના દસ્તાવેજો એક કિટમાં સાથે રાખો. જો તમારું મકાન નીચાણવાળા વિસ્તારમાં હોય તો વિલંબ કર્યા વગર તુરંત ઊંચા અને સુરક્ષિત સ્થળે જતા રહો. પૂર દરમિયાન વીજળીના કરંટ અને ડૂબવાનો સૌથી વધુ ભય હોય છે, તેથી સાવચેતી રાખો.

