રીપોર્ટ@દેશ: ઈરાનમાં એક સાથે 165 બાળકીઓના જનાજા નીકળ્યા, આખું શહેર શોકમાં ડૂબ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઈઝરાયેલ તથા અમેરિકા દ્વારા ઈરાનમાં થયેલા ભીષણ હુમલામાં એક શાળા પણ ઝપેટમાં આવી ગઈ જેમાં 165 માસૂમ બાળકીઓના જીવ ગયા આજે આ બાળકીઓના એક સાથે જનાઝા નીકળ્યા અને તેમને અંતિમ વિદાય આપવામાં આવી. આ દ્રશ્યો જોઈને કઠણ હ્રદયના લોકોના પણ કાળજા ફાટી પડે. યુદ્ધનો ભોગ માસૂમ લોકો બનતા હોય છે.ઈરાનમાં આજે જ્યારે એક સાથે આ બાળકીઓના તાબૂત મૂકવામાં આવ્યા તો આખું શહેર શોકમાં ડૂબી ગયું. જનાજાની નમાજ પઢવા માટે હજારો લોકો ભેગા થયા. મિનાબ શહેરમાં જ સામૂહિક જનાજાની નમાજ અદા કરવામાં આવી.
શહેરના મુખ્ય મેદાન અને આસપાસની મસ્જિદોમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા. આ દરમિયાન એક સાથે બાળકીઓના જનાજા નીકળ્યા. ત્યારબાદ બાળકીઓ માટે નમાઝ એ જનાજા પઢવામાં આવી અને દફનવિધિ કરાઈ. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે 28મી ફેબ્રુઆરીએ યુદ્ધ ફાટી નીકળ્યું હતું ત્યારે ઈરાનના દક્ષિણ પ્રાંત હોર્મોજગાનના મિનાબમાં એક શાળા પર હુમલો થયો હતો. આ હુમલામાં 165 બાળકીઓના મોત થયા. આજે આ બાળકીઓને અંતિમ વિદાય અપાઈ. સ્કૂલ પરિસરમાં થયેલા આ હુમલામાં ઈમારતનો એક મોટો ભાગ તૂટી પડ્યો. મોટા ભાગની છોકરીઓ પ્રાથમિક શાળાની હતી.
આજે જનાજાના દિવસે મિનાબ શહેરમાં બજારો બંધ રહ્યા. શોકમાં ડૂબેલા નાગરિકોએ કાળી પટ્ટીઓ પહેરીને વિરોધ જતાવ્યો. અનેક જગ્યાએ શાંતિ માર્ચ નીકળી, મસ્જિદોમાં દુઆ કરવામાં આવી. સરકારી સૂત્રોના જણાવ્યાં મુજબ સ્કૂલ પરિસર હાલ બંધ કરાયું છે. આ હુમલાએ સમગ્ર ઈરાનને હચમચાવી નાખ્યું છે.અમેરિકા અને ઈરાનના હુમલામાં ઈરાનમાં ભારે તબાહી મચી છે. આ હુમલાઓના કારણે ઈરાનમાં ઓછામાં ઓછા 787 લોકોના જીવ ગયા છે. આ જાણકારી ઈરાની મીડિયા તરફથી આપવામાં આવી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે દક્ષિણ પૂર્વી ઈરાનમાં એક એરબેઝ પર થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 13 ઈરાની સૈનિકો માર્યા ગયા.

