રીપોર્ટ@દેશ: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં અતિભારે વરસાદે તબાહી મચાવી, વૈષ્ણોદેવી યાત્રા બંધ

 
વરસાદ
15000 જેટલા યાત્રાળુઓ કટડામાં રોકાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મોડી રાત્રે 1:00 થી સવારના 6:00 વાગ્યા દરમિયાન થયેલા અતિભારે વરસાદે ભારે તબાહી મચાવી છે. મૂશળધાર વરસાદને કારણે સ્થાનિક દરહાલી નદી (રાજૌરી નદી) નું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું હતું, જેના પાણી નજીકની બેલા કોલોનીમાં ઘૂસી ગયા હતા. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો અને ત્યાં ફસાયેલા અસંખ્ય પરિવારો પોતાના ઘરોમાં કેદ થઈ ગયા હતા.

આ ઉપરાંત, બેલા બસ સ્ટેન્ડ અને પાર્કમાં ઉભેલા ડઝનબંધ વાહનો પૂરના ધસમસતા પ્રવાહમાં રમકડાની જેમ તણાઈ ગયા હતા.રાજૌરીના માંજાકોટ તહસીલ હેઠળ આવતા કોટલી કલાબન અને ગોલીનારી વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના બની છે. વાદળ ફાટવાના કારણે આવેલા અચાનક પૂરમાં સ્થાનિક કબ્રસ્તાન સંપૂર્ણપણે ધોવાઈને નજીકના વોંકળામાં વહી ગયું હતું, જેના લીધે અનેક કબરો નષ્ટ થઈ ગઈ છે. આ અભૂતપૂર્વ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભારે ગમગીની અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સિવાય થન્ના મંડી સબ-ડિવિઝનના ચુરુંગ, રાજધાની અને બેહરોટ વિસ્તારો પણ ખરાબ રીતે પ્રભાવિત થયા છે, જ્યાં એક ક્રશર યુનિટમાં કામ કરતા મજૂરો ફસાયા હોવાની માહિતી છે.બીજી તરફ, કટડા અને આસપાસના વિસ્તારોમાં પણ રાતભર મૂશળધાર વરસાદ ચાલુ રહેતાં સુરક્ષાના ભાગરૂપે પ્રખ્યાત માતા વૈષ્ણોદેવીની યાત્રા સતત સ્થગિત રાખવામાં આવી છે. વરસાદના કારણે વૈષ્ણોદેવીના મહત્વના બેટરી કાર માર્ગ પર જગ્યાએ-જગ્યાએ મોટા ખડકો, પથ્થરો અને કાદવ-મલબો પડ્યો છે, જ્યારે ભૈરવ ઘાટી માર્ગ પર પણ હળવું ભૂસ્ખલન થયું છે.

હાલ પૂરતી બેટરી કાર સેવા, હેલિકોપ્ટર સેવા તેમજ ઘોડા, પિઠ્ઠુ અને પાલખી જેવી તમામ સુવિધાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવાઈ છે. કટડા ખાતેના તમામ રજીસ્ટ્રેશન કાઉન્ટરો બંધ રાખવામાં આવ્યા છે અને આશરે 15000 જેટલા યાત્રાળુઓ યાત્રા ફરી શરૂ થવાની રાહ જોઈને કટડામાં રોકાયા છે. ભારે વરસાદના કારણે જખિયાની અને ચેનાની વચ્ચે નેશનલ હાઈવેની 'અપ-ટ્યુબ' પર અનેક જગ્યાએ માટી ધસી પડવાની અને પથ્થરો પડવાની ઘટનાઓ બની છે, જેને સાફ કરવાનું કામ NHAI દ્વારા યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. બીજી તરફ 'ડાઉન-ટ્યુબ' પણ ક્ષતિગ્રસ્ત થતાં હાલ એક જ ટ્યુબ પરથી બંને તરફનો ટ્રાફિક પસાર કરવામાં આવી રહ્યો છે.