રીપોર્ટ@દેશ: દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટનાના પગલે ગુજરાતમાં હાઇએલર્ટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટનાના પગલે ગુજરાત પોલીસે સમગ્ર રાજ્યમાં હાઇ એલર્ટ જાહેર કરીને સુરક્ષા વ્યવસ્થાને કડક બનાવી દીધી છે. રાજ્યના મહત્વપૂર્ણ ધાર્મિક અને સંવેદનશીલ સ્થળો પર સઘન સુરક્ષા અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસે તમામ મોટા અને પ્રખ્યાત ધાર્મિક સ્થાનો પર સુરક્ષા વધારી દીધી છે.જેમાં મુખ્યત્વે અંબાજી મંદીર, સોમનાથ મંદીર, દ્વારકામાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
શક્તિપીઠ અંબાજી ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં પોલીસનો સુરક્ષા બંદોબસ્ત સતર્ક કરી દેવામાં આવ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરીને આવતા-જતા તમામ શ્રદ્ધાળુઓ અને તેમના સામાનનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દ્વારકાધીશ મંદિર અને આસપાસના વિસ્તારમાં પણ સુરક્ષા સતર્ક કરીને પ્રવેશ દ્વારો પર ખાસ ચેકિંગ પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ કે વિઘ્નસંતોષી તત્વો રાજ્યમાં શાંતિ ડહોળી ન શકે તે હેતુથી આ પગલાં લેવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં પણ સંવેદનશીલ ગણાતા વિસ્તારો અને જાહેર સ્થળો પર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના હૃદય સમાન ગણાતા ભદ્રકાળી મંદિર પાસે અને અન્ય વ્યસ્ત વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ સઘન રીતે કરવામાં આવી રહ્યું છે. ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તમામ જિલ્લા અને શહેર પોલીસને સતર્ક રહેવા અને ત્વરિત પગલાં લેવા આદેશ આપ્યા છે.

