રિપોર્ટ@દેશ: ગૃહમંત્રી અમિતશાહે દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી, ગુજરાતમાં નવા ત્રણ કાયદા લાગુ કરવાની તૈયારી

રાજ્યના પોલીસ મહાનિદેશકને આવા કેસોનું સતત મોનિટરીંગ કરવા સૂચન કર્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નવી દિલ્હી ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના ગુજરાતમાં અમલીકરણ અંગેની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. તેમણે રાજ્યમાં ફોજદારી કાયદાઓના અમલીકરણની પ્રગતિની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, નવા કાયદાઓનો હેતુ ગુનેગારોને સત્વરે સજા થાય અને પીડિતોને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવાનો છે. શાહે તાકીદ કરી હતી કે આગામી 30 એપ્રિલ સુધીમાં રાજ્યના તમામ પોલીસ કમિશનરેટ વિસ્તારોમાં નવા કાયદાઓનું 100% અમલીકરણ સુનિશ્ચિત કરવામાં આવે.
આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દર મહિને, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દર પંદર દિવસે અને મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક સ્તરે સાપ્તાહિક સમીક્ષા કરે તે જરૂરી છે, એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે ગુજરાત પોલીસ દ્વારા 10 વર્ષથી વધુ સમયના કેસોમાં 92%થી વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરવાના કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે બાકી રહેલા કેસોની સમીક્ષા કરીને જરૂરી કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. તેમણે સૂચન કર્યું હતું કે, ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ (CCTNS) દ્વારા બે રાજ્યો વચ્ચે એફ.આઈ.આર. ટ્રાન્સફર થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. તેમણે ગુજરાત CCTNS 2.0 અપનાવે તેવી પણ હિમાયત કરી હતી.
ગૃહમંત્રી શાહે નવા ફોજદારી કાયદાઓમાં ઈલેક્ટ્રોનિક એવિડન્સની જોગવાઈઓના ઉચિત અમલીકરણ માટે ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગ સંકલન બેઠકો યોજીને પોસ્ટમોર્ટમ રિપોર્ટસ સહિત અન્ય મેડિકલ રિપોર્ટસ ઈલેક્ટ્રોનિક સ્વરૂપે મળે તેના પર વિશેષ ભાર મૂક્યો હતો.જેલ, સરકારી હોસ્પિટલો, બેન્ક, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી વગેરેમાં પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી એવિડન્સ દાખલ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ એમ જણાવતા ઉમેર્યું હતું કે, રાજ્યની જેલોમાં દરેક ન્યાયાલય માટે એક વિડિયો કોન્ફરન્સિંગ ક્યુબિકલ હોવું જોઈએ. તેમણે રાજ્યના પોલીસ મહાનિદેશકને આવા કેસોનું સતત મોનિટરીંગ કરવા સૂચન કર્યું હતું.
પોલીસ સ્ટેશનોમાં નેટવર્ક કનેક્ટિવિટી સ્પીડ નિર્ધારિત ધારાધોરણો કરતાં વધુ રાખવા પણ તેમણે સૂચવ્યું હતું. ગૃહમંત્રી શાહે દરેક જિલ્લામાં બે થી વધુ ફોરેન્સિક સાયન્સ મોબાઇલ વાન ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે આવી મોબાઇલ ફોરેન્સિક વાનમાં વપરાતી તમામ 12 કિટ્સ ભારતમાં જ બનેલી હોય તે સુનિશ્ચિત કરવા સૂચન કર્યું હતું.કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે તમામ નીચલી અદાલતોને ઈ-પ્રોસેસથી કામગીરી કરવા માટે દિશાનિર્દેશો આપ્યાં છે, આ પહેલ ડિજિટલ અને પારદર્શિતા સુનિશ્ચિત કરતી સારી પહેલ છે તેમ જણાવી અન્ય રાજ્યોને પણ આ માટે પ્રયાસો કરવા સૂચન કર્યું હતું.