રીપોર્ટ@દેશ: લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદન પર ભારે હંગામો, ગૃહની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત

 
કાર્યવાહી
રાજનાથ સિંહ અને અમિત શાહે રાહુલ ગાંધીના દાવાઓ સામે કડક વાંધો ઉઠાવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બજેટ સત્ર દરમિયાન આજે લોકસભામાં ત્યારે અભૂતપૂર્વ હોબાળો જોવા મળ્યો, જ્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારત-ચીન સરહદ વિવાદને લઈને પૂર્વ સેના પ્રમુખ જનરલ એમ.એમ. નરવણેના એક 'અપ્રકાશિત' પુસ્તકના અંશોનો ઉલ્લેખ કર્યો. સત્તાધારી પક્ષના સખત વિરોધ અને ભારે શોરબકોરને કારણે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને ગૃહની કાર્યવાહી મંગળવાર સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી.

રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવતા દાવો કર્યો કે તેઓ એક “મૌલિક પ્રશ્ન” ઉઠાવી રહ્યા છે. તેમણે એક મેગેઝિનમાં છપાયેલા લેખનો હવાલો આપ્યો, જેમાં જનરલ નરવણેના સંસ્મરણો ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ના કેટલાક કથિત ભાગો ટાંકવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ ગૃહમાં દાવો કર્યો હતો કે ડોકલામ ગતિરોધ દરમિયાન ચીની ટેન્કો ભારતીય સરહદની અત્યંત નજીક, કૈલાશ રેન્જ સુધી પહોંચી ગઈ હતી.રાહુલે જેવા “ચીનની ટેન્કો ડોકલામમાં” શબ્દો કહ્યા, કે તરત જ ટ્રેઝરી બેન્ચના સભ્યોએ ઊભા થઈને વિરોધ શરૂ કરી દીધો હતો.

રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીના આ દાવાઓ સામે કડક વાંધો ઉઠાવ્યો હતો.“વિપક્ષના નેતા જે પુસ્તકનો હવાલો આપી રહ્યા છે, તે હજુ સુધી પ્રકાશિત જ થયું નથી. કોઈપણ અપ્રકાશિત સામગ્રી કે મેગેઝિનના રિપોર્ટને ગૃહના ટેબલ પર અધિકૃતતા વિના રાખવો એ નિયમોની વિરુદ્ધ છે. આ ગૃહને ગેરમાર્ગે દોરવા સમાન છે.”ગૃહમંત્રી અમિત શાહે પણ પલટવાર કરતા કહ્યું કે જે વાતો પ્રકાશિત જ નથી થઈ, તેને કોટ કરવી એ સંસદીય પરંપરાઓનું ઉલ્લંઘન છે. તેમણે ઉમેર્યું કે રાહુલ ગાંધી એવા વિષયો પર વાત કરી રહ્યા છે જેનો ઉલ્લેખ રાષ્ટ્રપતિના અભિભાષણમાં પણ નથી.

હોબાળા વચ્ચે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સ્પષ્ટ કર્યું કે ગૃહ નિયમો અને પ્રક્રિયાઓથી ચાલે છે. તેમણે રાહુલ ગાંધીને શિખામણ આપી કે તેઓ માત્ર એવા તથ્યો પર વાત કરે જે દેશહિતમાં હોય અને જેની પ્રમાણિકતા સાબિત થઈ શકે. તેમણે કહ્યું કે કોઈ લેખ કે અપ્રકાશિત પુસ્તકના આધારે સેનાના મનોબળને અસર કરે તેવી વાતો ગૃહમાં ન કરવી જોઈએ.જ્યારે રાહુલ ગાંધી પોતાની વાત પર અડગ રહ્યા અને ગૃહમાં શોરબકોર વધતો ગયો, ત્યારે પહેલા કાર્યવાહીને 4 વાગ્યા સુધી અને ત્યારબાદ અંતે મંગળવાર સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.