રીપોર્ટ@દેશ: ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો મોટો નિર્ણય, અમેરિકા માટે પોસ્ટલ સેવાઓ પર હાલ પૂરતી રોક

 
Modi
અમેરિકા માટેની ટપાલ સેવાઓ પર 25 ઓગસ્ટથી રોક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ વચ્ચે ભારતે મોટો નિર્ણય લીધો છે. ભારતીય પોસ્ટ વિભાગે અમેરિકા માટેની મોટા ભાગની સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી છે. આ નિર્ણય અમેરિકાના નવા ફરમાનના કારણે ભારતે આ મોટો નિર્ણય લેવાની નોબત આવી છે. ગયા મહિને 30 જુલાઈએ ટ્રમ્પ સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. અમેરિકાએ હવે 800 ડોલર સુધીના સામાન પર કસ્ટમ ડ્યુટીમાં મળતી છૂટ ખતમ કરી છે. અત્યાર સુધી 800 ડોલર સુધીના સામાન પર ડ્યુટી લાગતી નહોતી. પણ હવે એવું થશે નહીં.

ભારતથી અમેરિકા જતાં સામાન પર 29 ઓગસ્ટથી કસ્ટમ ડ્યુટી લાગશે. અમેરિકાના નવા નિયમ અનુસાર ટપાલ મારફતે અમેરિકા આવતા પાર્સલ પર ડ્યુટી જમા કરાવવાની રહેશે. હજુ સુધી આ કલેક્શન સિસ્ટમ કેવું હશે તેને લઈને કોઈ સ્પષ્ટીકરણ ના થયું હોવાથી ભારતીય પોસ્ટ વિભાગે ટપાલ સેવા પર રોક લગાવી છે. અમેરિકા જતાં એર કેરિયર્સે કહ્યું છે કે 25 ઓગસ્ટથી ટપાલનો સામાન સ્વીકારી શકશે નહીં. અમેરિકા માટેની ટપાલ સેવાઓ પર 25 ઓગસ્ટથી રોક.100 ડોલર સુધીની ગિફ્ટ આઈટમ, પત્ર (લેટર) અને દસ્તાવેજ (ડોક્યુમેન્ટ) જેવી વસ્તુ મોકલી શકાશે.તમામ પાર્સલ પર કસ્ટમ ડ્યુટીનો અમેરિકાનો નિર્ણય 29 ઓગસ્ટ, 2025થી લાગુ થશે.ભારતીય પોસ્ટ પાર્સલ/ટપાલ સ્વીકારવાનું 25 ઓગસ્ટ, 2025થી બંધ થશે.

ભારત અને અમેરિકાના સંબંધો હાલ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પહેલા તો ભારત-પાકિસ્તાન યુદ્ધમાં સીઝફાયરનો શ્રેય લેવા પ્રયાસ કર્યો. પછી રશિયાથી ઓઈલ ખરીદવા મુદ્દે ભારત પર 50 ટકા ટેરિફ ઝીંકવાની જાહેરાત કરી. હવે આ મામલે ભારતના વિદેશમંત્રી જયશંકરે જવાબ આપ્યો છે. જયશંકરે એક કાર્યક્રમમાં કહ્યું છે, કે 'પાકિસ્તાન સાથે સંઘર્ષ મુદ્દે ભારતે 1970થી અત્યાર સુધી આશરે 50 વર્ષમાં કોઈ પણ મધ્યસ્થી સ્વીકાર્યો નથી. ઓપરેશન સિંદૂર વખતે અમેરિકા જ નહીં, અન્ય દેશોએ પણ ફોન કર્યો હતો, આ કોઈ ગુપ્ત વાત નથી. પણ કોઈ મધ્યસ્થી થવાનો દાવો કરે તો તે ખોટું છે.'