રીપોર્ટ@દેશ: આંતરરાષ્ટ્રીય ઓઈલ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ, 3 શંકાસ્પદ જહાજો ઝડપાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મુંબઈના કિનારેથી અંદાજે 100 નોટિકલ માઇલ દૂર મધદરિયે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન સ્મગલિંગમાં સંડોવાયેલા 3 શંકાસ્પદ જહાજોને ઝડપી પાડવામાં આવ્યા છે.તપાસમાં સામે આવ્યું છે કે આ સ્મગલિંગ નેટવર્ક અત્યંત વ્યવસ્થિત રીતે કાર્યરત હતું. આ માફિયાઓ યુદ્ધગ્રસ્ત દેશોમાંથી અત્યંત સસ્તા દરે તેલની ખરીદી કરતા હતા. આ સસ્તું તેલ ભારતીય જળસીમામાં લાવીને અહીંના સ્થાનિક બજારમાં અથવા અન્ય જહાજોને ગેરકાયદેસર રીતે ઊંચા ભાવે વેચવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું.
આ પ્રકારના રેકેટથી ભારત સરકારને ટેક્સ અને કસ્ટમ ડ્યુટી પેટે કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ છે.કોસ્ટ ગાર્ડ દ્વારા ઝડપાયેલા ત્રણેય જહાજોને હાલ મુંબઈના દરિયા કિનારે લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કિનારે લાવ્યા બાદ વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા જહાજ પરના ક્રૂ મેમ્બર્સની પૂછપરછ કરવામાં આવશે. આ જહાજો કોના છે. તેલનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ભારતમાં આ નેટવર્ક સાથે કોણ જોડાયેલું છે. તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

