રીપોર્ટ@દેશ: બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર મોટો હુમલો, સેનાના 10 જવાનો ઠાર થયા

 
પાકિસ્તાની સેના
બલૂચ લિબરેશન આર્મીએ 90 પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો કર્યો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર મોટો હુમલો થયો છે. બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે, તેણે ક્વેટાની નજીક માર્ગટ વિસ્તારમાં પાકિસ્તાની સેના પર મોટો હુમલો કરી 10 સૈનિકોને ઠાર કર્યા છે. BLAના જણાવ્યા અનુસાર, આ હુમલો રિમોટ કંટ્રોલ્ડ ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ દ્વારા કર્યો, જેમાં સેનાના વાહનોના ભુક્કા નીકળી ગયા હતા.આ વિસ્તાર લાંબા સમયથી બલૂચ વિદ્રોહીઓની પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યો છે.

હાલમાં, પાકિસ્તાની સેના દ્વારા આ હુમલા અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. બલૂચ લિબરેશન આર્મી છેલ્લા ઘણા વર્ષોથી બલૂચિસ્તાનની સ્વતંત્રતાની માંગણી સાથે સશસ્ત્ર સંઘર્ષ લડી રહી છે.પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી સતત આતંકવાદી હુમલા થઈ રહ્યા છે. ગયા મહિને ક્વેટાથી તફ્તાન જઈ રહેલા સેનાના કાફલા પર આતંકવાદી હુમલો થયો હતો, જેમાં સાત સૈનિકો માર્યા ગયા હતા અને 21 ઘાયલ થયા હતા.

આ હુમલાની જવાબદારી લેતા, બલૂચ લિબરેશન આર્મીએ 90 પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો કર્યો હતો.અગાઉ 11 માર્ચે, ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસને BLA બળવાખોરો દ્વારા હાઇજેક કરવામાં આવી હતી. આ ટ્રેન બપોરે 1.30 વાગ્યે સિબ્બી પહોંચવાની હતી. પરંતુ હુમલો બોલાનના મશફાક ટનલમાં થયો હતો. આ હુમલો BLA દ્વારા સંપૂર્ણ આયોજન સાથે કરવામાં આવ્યો હતો. BLA લડવૈયાઓ પહેલેથી જ રાહ જોઈ રહ્યા હતા. હુમલા માટે, BLA એ તેના સૌથી ઘાતક લડવૈયાઓ માજીદ બ્રિગેડ અને ફતેહને તૈયાર કર્યા હતા.