રીપોર્ટ@દેશ: કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં PM મોદીની અધ્યક્ષતામાં મોટા નિર્ણયો લેવાયા

 
રાજકારણ

કોટા-બૂંદીમાં 1507 કરોડ રૂપિયાના ખર્ચે નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજની કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. રાજસ્થાનના કોટા-બૂંદીમાં 1507 કરોડ રૂપિયાના ખર્ચે નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ અને ઓડિશાના ભુવનેશ્વર-કટકમાં 8307 કરોડ રૂપિયાના ખર્ચે 6-લેન એક્સેસ-કંટ્રોલ્ડ રિંગ રોડ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.કોટા-બૂંદીમાં 1507 કરોડ રૂપિયાના ખર્ચે નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે.

આ એરપોર્ટ 20,000 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલું હશે, જેમાં 3200 મીટર લાંબો રનવે હશે. આ એરપોર્ટ વાર્ષિક 20 લાખ મુસાફરોને સેવા આપવાની ક્ષમતા ધરાવશે. આ પ્રોજેક્ટને 2 વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્‍ય છે. કોટા એક મહત્વનું ઔદ્યોગિક અને શૈક્ષણિક કેન્દ્ર છે, જ્યાં શિક્ષણ માટે દેશભરમાંથી વિદ્યાર્થીઓ આવે છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું, “કોટામાં લાંબા સમયથી નવા એરપોર્ટની માંગ હતી. હાલનું એરપોર્ટ જૂનું છે અને તેને આધુનિકીકરણની જરૂર છે.” નોંધનીય છે કે, 2014માં ભારતમાં માત્ર 74 એરપોર્ટ હતા, જે હવે 11 વર્ષમાં વધીને 162 થઈ ગયા છે.

આ નવું એરપોર્ટ રાજસ્થાનના વિકાસને વેગ આપશે.ઓડિશાના ભુવનેશ્વર, કટક અને ખોરધા શહેરોને જોડતા 110.875 કિલોમીટર લાંબા 6-લેન એક્સેસ-કંટ્રોલ્ડ રિંગ રોડના નિર્માણને પણ મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત 8307.74 કરોડ રૂપિયા છે અને તે હાઈબ્રિડ એન્યુઈટી મોડ (HAM) હેઠળ વિકસાવવામાં આવશે. આ ગ્રીનફીલ્ડ હાઈવે ઓડિશાના આ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાને ઘટાડશે અને આર્થિક વિકાસને વેગ આપશે.