રીપોર્ટ@દેશ: નાઈજીરિયામાં મોટો વિમાન અકસ્માત, 7 ક્રૂ મેમ્બર સહિત 32 લોકો બળીને ખાખ

 
અકસ્માત
એર ટ્રાફિક કંટ્રોલનો વિમાન સાથે સંપર્ક તૂટી ગયો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નાઈજીરિયામાં મોટો વિમાન અકસ્માત થયો છે. અહીં નાઈજીરિયન એરફોર્સનું એક વિમાન દેશના દક્ષિણ-પશ્ચિમ ઓન્ડો રાજ્યમાં દર્દનાક રીતે ક્રેશ થયું હતું. દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 32 લોકોના મોતની આશંકા છે. તેમાં 25 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર સામેલ હતા અને તેમાંથી કોઈના બચવાની શક્યતા ન હોવાનું જણાવવામાં આવ્યું છે. નાઈજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહમદ ટિનુબુએ અકસ્માતની પુષ્ટિ કરી અને મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

નાઈજીરિયન એરફોર્સનું ATR-42 વિમાન બેનિન સિટીથી લાગોસ માટે નિયમિત મિશન પર ઉડાન ભરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. ઉડાન દરમિયાન એર ટ્રાફિક કંટ્રોલનો વિમાન સાથે સંપર્ક તૂટી ગયો હતો. તેના થોડા સમય બાદ વિમાન ઓન્ડો રાજ્યના ઇગ્બોકોડા વિસ્તારમાં ક્રેશ થયું હતું. અકસ્માત બાદ વિમાનનો કાટમાળ દરિયાકાંઠાના વિસ્તાર નજીકથી મળી આવ્યો હતો. ત્યારબાદ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બચાવકર્મીઓએ બોટની મદદથી આસપાસના વિસ્તારમાં પણ શોધખોળ કરી હતી. નાઈજીરિયાના ઉડ્ડયન મંત્રી ફેસ્ટસ કેયામોએ જણાવ્યું હતું કે એર ટ્રાફિક કંટ્રોલનો સોમવારે સવારે લગભગ 8:13 GMT વાગ્યે વિમાન સાથે સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ વિમાન ક્રેશ થયાની માહિતી સામે આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાન નિયમિત ઉડાન પર હતું અને તેને કોઈ ખાસ ઇમરજન્સી માટે મોકલવામાં આવ્યું નહોતું. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં પણ નદીના કિનારે લોકોની ભીડ અને બચાવકર્મીઓ શોધખોળ કરતા જોવા મળ્યા હતા. દુર્ઘટનાસ્થળથી લગભગ એક કિલોમીટર દૂર રહેતી 39 વર્ષની દાયો અકિન્ટેએ જણાવ્યું હતું કે તેમણે એક જોરદાર અવાજ સાંભળ્યો હતો. શરૂઆતમાં તેમને લાગ્યું હતું કે આ વાદળોના ગર્જના જેવો અવાજ છે, પરંતુ બાદમાં તેમને વિમાન દુર્ઘટના અંગે જાણ થઈ હતી.