રિપોર્ટ@દેશ: ઈરાનના રાજાઈ પોર્ટ પર ભયંકર વિસ્ફોટ, 500થી વધું લોકો ઘાયલ

 
વિસ્ફોટ
વહીવટી તંત્ર આ સમગ્ર વિસ્તાર ખાલી કરવાની કામગીરીમાં લાગી ગઈ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઈરાનના શહેર અબ્બાસના રાજાઈ પોર્ટ પર એક મોટો વિસ્ફોટ થયો અને વિકરાળ આગ લાગી છે. આ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા વધીને 516 થઈ ગઈ છે.પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન અધિકારી મેહરદાદ હસનઝાદેહે જણાવ્યું હતું કે, વિસ્ફોટ વિનાશક હતો. ઘણા ઘાયલોને હોર્મોઝગન પ્રાંતની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈરાનના શહેર અબ્બાસનું રાજાઈ પોર્ટ કન્ટેનર ટ્રાફિક સંચાલન કરતું પોર્ટ છે. આ પોર્ટ પર તેલની ટાંકી અને પેટ્રોકેમિકલ યુનિટ પણ છે, જેના કારણે આગ વધુ ગંભીર બની ગઈ હતી.

સૌ પ્રથમ વિસ્ફોટ એક કન્ટેનરમાં થયો હતો. ત્યારબાદ તેલની ટાંકી સુધી આગ પહોંચી ગઈ હોવી જોઈએ અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ આગ એટલી વિકરાળ હતી કે આકાશમાં કાળા ધુમાડાનું એક મોટું વાદળ જોવા મળ્યું હતું. આ ધુમાડો ઘણે દૂરથી પણ જોઈ શકાતો હતો. ઈરાનના શહેર અબ્બાસના Rajai Port માં થયેલા ભયાનક વિસ્ફોટ બાદ રાહત અને બચાવ ટીમ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.

આ વિસ્ફોટમાં અંદાજિત 516 લોકો ઘાયલ થયાની પ્રાથમિક માહિતી મળી છે. સ્થાનિક સૂત્ર અનુસાર આ આંકડો હજૂ પણ વધી શકે તેમ છે. વહીવટી તંત્ર આ સમગ્ર વિસ્તાર ખાલી કરવાની કામગીરીમાં લાગી ગઈ છે. ઈરાનની કસ્ટમ્સ ઓથોરિટીએ તમામ કસ્ટમ ઓફિસોને તાત્કાલિક શિપમેન્ટ મોકલવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે.