રીપોર્ટ@દેશ: GSTના સુધારાઓ અને તેની સફળતા અંગે સી.આર.પાટીલનું મોટું નિવેદન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે તાજેતરમાં GST ના સુધારાઓ અને તેની સફળતા અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, 2017 પહેલા દેશમાં જુદી જુદી કર વ્યવસ્થાઓ હતી. જેમાં જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા ટેક્સ લાગુ પડતા હતા. GST લાગુ થયા બાદ આ તમામ ટેક્સ નાબૂદ થયા છે અને સમગ્ર દેશમાં એક સરખો કર લાગુ થયો છે. આ નિર્ણયથી ઉદ્યોગો વધુ સ્પર્ધાત્મક બન્યા છે અને તેનાથી ભારતીય અર્થતંત્ર પર લોકોનો વિશ્વાસ વધ્યો છે.
તેમણે કહ્યું કે, કર વસૂલાતમાં થયેલો વધારો પણ આ જ વિશ્વાસનું પ્રતીક છે. આ સિવાય, PM નરેન્દ્ર મોદીએ જરૂર પડ્યે મક્કમતાપૂર્વક પગલાં લીધા છે.પાટીલના જણાવ્યા મુજબ, GST થી માત્ર ઉદ્યોગોને જ નહીં. પરંતુ સામાન્ય નાગરિકોને પણ સીધો ફાયદો થયો છે. તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે, ટેક્સટાઈલ પરનો કર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. અનાજ, દવાઓ, દૂધ અને દહીં જેવી અત્યંત જરૂરી ચીજવસ્તુઓ પરનો કર કાં તો ઘટાડી દેવામાં આવ્યો છે અથવા તો શૂન્ય કરી દેવામાં આવ્યો છે. વીમા પરથી પણ ટેક્સ ઘટાડવામાં આવતા લોકોને મોટી રાહત મળી છે.
આ પગલાંથી સ્થાનિક ઉત્પાદન અને નિકાસમાં વધારો થવાની સંભાવના છે અને વેપારીઓને ગુણવત્તા સાથે ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળશે. GST સુધારા ઉપરાંત, સી.આર. પાટીલે અન્ય ક્ષેત્રોમાં પણ થઈ રહેલા વિકાસ કાર્યો વિશે વાત કરી. તેમણે જણાવ્યું કે, દેશના 33 રાજ્યોમાં વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ ઊભા કરવામાં આવ્યા છે. જે પાણીના સંરક્ષણ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. તેમણે સુરત એરપોર્ટને લગતી સમસ્યાનો પણ ઉલ્લેખ કર્યો.