રિપોર્ટ@દેશ: પીએમ મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાના પ્રવાસે રવાના, G7 સમિટમાં ભાગ લેશે
અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદી આજે ફ્રાન્સ અને સ્લોવાકિયાના મહત્ત્વપૂર્ણ પ્રવાસે રવાના થયા છે. આ પ્રવાસ દરમિયાન તેમનું શિડ્યુઅલ રાજદ્વારી બેઠકો, દ્વિપક્ષીય વાટાઘાટો અને બહુપક્ષીય કાર્યક્રમોથી ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સહયોગને વધુ મજબૂત કરવાનો છે.
તેમણ જણાવ્યું કે, 'આગામી થોડા દિવસો દરમિયાન હું ફ્રાન્સ અને સ્લોવાકિયામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈશ, જેમાં દ્વિપક્ષીય વાટાઘાટો, બહુપક્ષીય જોડાણો અને ભારતીય સમુદાય (ડાયસ્પોરા) સાથેની વાતચીત સામેલ છે. અમારું મુખ્ય ફોકસ આર્થિક તેમજ સાંસ્કૃતિક સંબંધોને વેગ આપવા પર રહેશે.'પીએમ મોદીના પ્રવાસની શરૂઆત ફ્રાન્સના નીસશહેરથી થશે. ભારત અને ફ્રાન્સ હાલમાં 'ભારત-ફ્રાન્સ ઇનોવેશન વર્ષ' ઉજવી રહ્યા છે, જેના ભાગરૂપે ત્યાં 'ભારત ઇનોવેટ્સ' કાર્યક્રમ યોજાશે.
પીએમ મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સંયુક્ત રીતે આ ઇવેન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્લેટફોર્મ પર ભારત, ફ્રાન્સ અને અન્ય દેશોના અગ્રણી સ્ટાર્ટઅપ્સ, ઇનોવેટર્સ અને વેન્ચર કેપિટલ ફંડ્સ એકસાથે આવશે. નીસમાં જ પીએમ મોદી અને પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ યોજાશે, જેમાં બંને નેતાઓ ભારત-ફ્રાન્સ સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની સમીક્ષા કરશે. ફ્રાન્સના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ, પીએમ મોદી 14થી 16 જૂન દરમિયાન સ્લોવાકિયાના પ્રવાસે જશે.
સ્લોવાકિયાના પીએમ રોબર્ટ ફિકોના આમંત્રણ પર યોજાઈ રહેલો આ પ્રવાસ ઐતિહાસિક છે, કારણ કે વર્ષ 1993માં સ્લોવાકિયાની આઝાદી પછી કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ સ્લોવાકિયા મુલાકાત છે. પીએમ મોદી સ્લોવાકિયામાં પીએમ ફિકો સાથે ડેલિગેશન લેવલની વાતચીત કરશે અને પ્રમુખ પીટર પેલેગ્રીનીને પણ મળશે. આ ચર્ચા દરમિયાન વેપાર, રોકાણ, ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સહયોગની નવી તકો શોધવામાં આવશે.
સ્લોવાકિયાની મુલાકાત બાદ તેઓ ફરી ફ્રાન્સ પરત ફરશે. તેઓ16-17 જૂન દરમિયાન ઈવિયનમાં યોજાનારી G7 સમિટમાં ભાગ લેશે. આ સમિટમાં તેઓ G7 દેશોના નેતાઓ, આમંત્રિત ભાગીદાર દેશોના વડાઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓ સાથે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.

