રીપોર્ટ@દેશ: મોરેશિયસમાં પોર્ટ લુઇસ ખાતે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું

 
મોદી

સ્વાગત કરવા માટે 200 મહાનુભાવો હાજર રહ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પીએમ મોદી આજથી બે દિવસ મોરેશિયસની મુલાકાતે પહોંચ્યા છે. મોરેશિયસમાં પોર્ટ લુઇસ ખાતે પીએમ મોદીનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. મોરેશિયસના વડા પ્રધાન નવીન રામગુલામ સહિત ટોચના હસ્તીઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. પીએમ નવીને પીએમ મોદીને માળા પહેરાવી અને તેમને ગળે લગાવીને તેમના દેશમાં સ્વાગત કર્યું. આ દરમિયાન પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી નવીન રામગુલામ સાથે નાયબ પ્રધાનમંત્રી, મોરેશિયસના મુખ્ય ન્યાયાધીશ, રાષ્ટ્રીય વિધાનસભાના અધ્યક્ષ, વિરોધ પક્ષના નેતા, વિદેશ મંત્રી, કેબિનેટ સચિવ, ગ્રાન્ડ પોર્ટ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના અધ્યક્ષ અને અન્ય ઘણા લોકો પીએમ મોદીનું સ્વાગત કરવા માટે હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર કુલ 200 મહાનુભાવો હાજર હતા, જેમાં સાંસદો, ધારાસભ્યો, રાજદ્વારી પ્રતિનિધિમંડળ અને ધાર્મિક નેતાઓનો સમાવેશ થતો હતો. તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદી મુખ્ય અતિથિ તરીકે ટાપુ રાષ્ટ્રના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજરી આપશે અને દેશના ટોચના નેતૃત્વ સાથે બેઠકો કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરેશિયસના પોર્ટ લુઇસમાં એક હોટલમાં પહોંચ્યા. ભારતીય ડાયસ્પોરાના સભ્યો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, મોદી મોદીના નારા લગાવીને તથા ભારત માતા કી જય બોલાવીને પીએમ મોદીને વધાવી લીધા હતા. પીએમ મોદીએ એક બાળકીને તેડીને વ્હાલ વરસાવ્યું હતું. પ્રધાનમંત્રી મોદી 12 માર્ચે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ભારતીય નૌકાદળના જહાજ સાથે ભારતીય સંરક્ષણ દળોની એક ટુકડી ઉજવણીમાં ભાગ લેશે.મોરેશિયસના પોર્ટ લુઇસ ખાતે બિહારી પરંપરાગત ગીત ગવાઈ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગીત ગવાઈન એક પરંપરાગત ભોજપુરી સંગીત સમૂહ છે જે ભારતના ભોજપુરી પટ્ટાની મહિલાઓ દ્વારા મોરેશિયસમાં લાવવામાં આવેલા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને રજૂ કરે છે.