રીપોર્ટ@દેશ: PM મોદીએ દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી, જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે રક્ષાબંધનના ખાસ અવસર પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત દેશના અનેક દિગ્ગજ નેતાઓએ દેશવાસીઓને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી છે અને સૌના જીવનમાં સુખ-શાંતિની કામના કરી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોતાના સંદેશમાં લખ્યું, "રક્ષાબંધન પર હાર્દિક શુભેચ્છાઓ. આ પવિત્ર તહેવાર તમારા બધા માટે ખુશી, સમૃદ્ધિ અને સફળતા લાવે. પ્રેમ, સ્નેહ અને પરસ્પર વિશ્વાસનું બંધન હંમેશા અતૂટ રહે - આ મારી હૃદયપૂર્વકની ઇચ્છા છે." પ્રધાનમંત્રીએ દેશના તમામ નાગરિકોના જીવનમાં સફળતા અને ઉત્સાહ માટે વિશેષ પ્રાર્થના કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, "ભાઈઓ અને બહેનો વચ્ચેના અતૂટ પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. આ તહેવાર દરેકના જીવનમાં ખુશી, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે."રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ રક્ષાબંધનની પૂર્વસંધ્યાએ દેશના નાગરિકોને શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે, આ તહેવાર પ્રાચીન સમયથી આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ અને પવિત્ર હિસ્સો રહ્યો છે. કાંડા પર શ્રદ્ધાથી બાંધવામાં આવતી રાખડીનો દોરો એ પરસ્પર રક્ષણ અને આદરનું પ્રતિક છે.દેશભરમાં આ તહેવારને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

