રીપોર્ટ@દેશ: દિવાળીએ વડાપ્રધાન મોદીની દેશવાસીઓને અપીલ, જાણો વિગતે

 
મોદી
તમે જે ખરીદ્યું છે, તેને સોશિયલ મીડિયા પર પણ શેર કરો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશભરમાં દિવાળીનો પવિત્ર તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ શુભ અવસર પર પીએમ મોદીએ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પોતાના સંદેશમાં તેમણે કામના કરી કે પ્રકાશનો આ પાવન પર્વ દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌહાર્દ લઈને આવે. આ સાથે જ, વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને 'વોકલ ફોર લોકલ'ના મંત્રને અપનાવવાની ખાસ અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા લોકોને આ તહેવારોની સિઝનમાં સ્વદેશી ઉત્પાદનો ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યા. પીએમ મોદીએ લખ્યું કે, "આ તહેવારોની સિઝનમાં ચાલો, 140 કરોડ ભારતીયોની મહેનત, રચનાત્મકતા અને નવીનતાનો ઉત્સવ મનાવીએ."

તેમણ લોકોને આગ્રહ કર્યો કે તેઓ સ્થાનિક કારીગરો અને ઉદ્યોગો દ્વારા બનાવેલી વસ્તુઓ ખરીદે અને ગર્વ સાથે સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરે. તેમણે લખ્યું, "ચાલો, ભારતીય ઉત્પાદનો ખરીદીએ અને ગર્વથી કહીએ કે 'આ સ્વદેશી છે'. તમે જે ખરીદ્યું છે, તેને સોશિયલ મીડિયા પર પણ શેર કરો. તેનાથી અન્ય લોકોને પણ આમ કરવાની પ્રેરણા મળશે."ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને મોંઘવારીમાંથી રાહત આપવા માટે ગયા મહિને 22 સપ્ટેમ્બરથી GST દરોમાં ઘટાડાની જાહેરાત કરી હતી, જેને સરકારે 'જીએસટી બચત ઉત્સવ' નામ આપ્યું હતું. વડાપ્રધાનની આ અપીલ સરકારના 'આત્મનિર્ભર ભારત' અભિયાનને વધુ મજબૂત બનાવવાનો એક ભાગ છે.