રીપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદીએ રાજનીતિમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, આ દિગ્ગજ નેતાને પણ પછાડ્યા, જાણો વધું

 
મોદી
સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાનોમાં પોતાનું સ્થાન બનાવ્યું

અટલ સમાચાર ડોટ કીમ, ડેસ્ક

પીએમ મોદીએ ભારતીય રાજનીતિમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતા ભારતમાં સૌથી લાંબા સમય સુધી સરકારના વડા રહેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેમણે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગનો રેકોર્ડ તોડી નાખ્યો છે.પવન કુમાર ચામલિંગે 8,930 દિવસ સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.જ્યારે વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાનના કાર્યકાળને મળીને 8,931 દિવસ પૂર્ણ કર્યા છે. આ એક દુર્લભ અને નોંધપાત્ર સિદ્ધિ છે, જે દાયકાઓની નિરંતર જાહેર સેવા અને નેતૃત્વને દર્શાવે છે.

તેમણે પોતાના મુખ્યમંત્રી કાળ દરમિયાન પણ ગુજરાતના સૌથી લાંબા સમય સુધી સીએમ રહેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેઓ મુખ્યમંત્રી તરીકે સૌથી લાંબો અનુભવ ધરાવતા વડાપ્રધાન છે.આ સાથે દેશની આઝાદી પછી સતત ત્રણ લોકસભા ચૂંટણી (2014, 2019 અને 2024) જીતનાર તેઓ પ્રથમ વડાપ્રધાન છે. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી હતી. 1985માં ભાજપમાં જોડાયા બાદ તેમણે પક્ષની સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય યોગદાન આપ્યું હતું.

નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ ગુજરાતના ચાર વખત મુખ્યમંત્રી રહ્યા. 2001, 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીઓ પછી ગુજરાત સરકારનું નેતૃત્વ કર્યું. મુખ્યમંત્રી તરીકે તેમનો કાર્યકાળ 22 મે 2014 સુધી રહ્યો હતો. તેઓ લગભગ 12 વર્ષ અને 7 મહિના સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા.નરેન્દ્ર મોદી ભારતના 14મા અને વર્તમાન વડાપ્રધાન છે, જેઓ 26 મે 2014થી સતત પદ પર બિરાજમાન છે. જૂન 2024માં તેમણે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ સતત ત્રીજી વખત જીતનાર પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન છે, જેમણે 4,000 થી વધુ દિવસો સુધી પદ પર રહીને સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાનોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.