રીપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદીના હસ્તે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન, જાણો વિગતે

 
એરપોર્ટ
એરપોર્ટ (NMIA)નો પ્રથમ તબક્કો ભારતનો સૌથી મોટો ‘ગ્રીનફિલ્ડ’ એરપોર્ટ પ્રોજેક્ટ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પીએમ મોદી તેમના બે દિવસના મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન વિકાસલક્ષી માળખાકીય સુવિધાઓ અને કૌશલ્ય કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન હતું. ઉદ્ઘાટન સમારોહમાં પીએમ મોદીએ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું, વર્ચ્યુઅલ પ્રવાસ કર્યો અને ખાસ જરૂરિયાતમંદ બાળકો સાથે સંવાદ પણ કર્યો, જેણે આ પ્રસંગને વિશેષ બનાવ્યો.

₹19,650 કરોડના ખર્ચે બનેલ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો પ્રથમ તબક્કો ભારતનો સૌથી મોટો ‘ગ્રીનફિલ્ડ’ એરપોર્ટ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ અદાણી ગ્રુપ દ્વારા જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડેલ હેઠળ વિકસાવવામાં આવ્યો છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માં બીજા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે, NMIA છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) પરની ભીડ ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવશે, જે મુંબઈને વૈશ્વિક મલ્ટી-એરપોર્ટ સિસ્ટમમાં એકીકૃત કરશે. આ એરપોર્ટ આ વર્ષે ડિસેમ્બરમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક ફ્લાઇટ્સ માટે ખુલ્લું મુકાશે.એરપોર્ટના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ શહેરી પરિવહન ક્ષેત્રે મહત્વનો પ્રોજેક્ટ, મુંબઈ મેટ્રો લાઇન 3 (એક્વા લાઇન)ના અંતિમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. આમાં આશરે ₹12,200 કરોડના ખર્ચે બનેલ આચાર્ય અત્રે ચોકથી કફ પરેડ સુધી લંબાયેલા ફેઝ 2Bનું ઉદ્ઘાટન સામેલ છે.

આ સાથે, ₹37,270 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલી સમગ્ર મેટ્રો લાઇન 3 રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી, જે શહેરી પરિવહનમાં એક મોટી ક્રાંતિ લાવશે. વધુમાં, મુસાફરોની સુવિધા માટે “મુંબઈ વન એપ” પણ લોન્ચ કરવામાં આવી, જે બહુવિધ જાહેર પરિવહન ઓપરેટરો માટે સંકલિત મોબાઇલ ટિકિટિંગની સુવિધા પૂરી પાડશે.માળખાકીય સુવિધાઓની સાથે, પ્રધાનમંત્રીએ રોજગારક્ષમતા વધારવા પર ભાર મૂક્યો. તેમણે મહારાષ્ટ્રના કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા વિભાગની મુખ્ય પહેલ, શોર્ટ-ટર્મ એમ્પ્લોયબિલિટી પ્રોગ્રામ (STEP)નું પણ ઉદ્ઘાટન કર્યું.