રીપોર્ટ@દેશ: રશિયન પ્રમુખ પુતિન રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા, વડાપ્રધાન મોદી સાથે આજે મહત્વપૂર્ણ બેઠક
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન 23મી ભારત-રશિયા સમિટ માટે ભારતની મુલાકાતે છે. આજે તેમના પ્રવાસનો બીજો અને મુખ્ય દિવસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પુતિનની આજે મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં વેપાર, સંરક્ષણ અને ઊર્જા સહયોગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદનો રશિયન રાષ્ટ્રપતિનો આ પ્રથમ ભારત પ્રવાસ છે, જે બંને દેશોના સંબંધોની ગંભીરતા દર્શાવે છે.
પુતિન ગઈકાલે દિલ્હીમાં લેન્ડ થયા ત્યારે વડા પ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. સાંજે, પીએમ મોદીએ પુતિન સાથે ડિનરનું આયોજન કર્યું હતું. રશિયન પ્રમુખ પુતિન અને વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે. અહીં રાષ્ટ્રપતિ મુર્મૂ તેમનું ઔપચારિક સ્વાગત કરશે. રાષ્ટ્રપતિ ભવનમાં રશિયન પ્રમુખ પુતિનના સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનરની તૈયારી કરી લેવામાં આવી છે. હાલમાં રાષ્ટ્રપતિ ભવનમાં એસ.જયશંકર, દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે.સક્સેના અને સીડીએસ જનરલ અનિલ ચૌહાણ હાજર છે.
આજે વડા પ્રધાન મોદી સાથેની બેઠકમાં અનેક ક્ષેત્રો પર વાતચીત થવાની અને વેપાર, સંરક્ષણ અને ઊર્જા સંબંધિત ઘણા કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન વચ્ચેની આ રાજદ્વારી બેઠક ઘણા કારણોસર મહત્વપૂર્ણ છે. વાતચીતમાં મુખ્યત્વે આ મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.ઓઇલ સપ્લાય અને ન્યુક્લિયર એનર્જી સેક્ટરમાં સહયોગના નવા માર્ગો શોધવા પર વાત થશે.વૈશ્વિક ભૌગોલિક-રાજકીય પરિવર્તનો વચ્ચે પુતિનનો આ પ્રવાસ ભારત-રશિયાના સંબંધોના મહત્વને દર્શાવે છે, જેમાં બંને દેશો તેમની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માંગે છે.

