રિપોર્ટ@દેશ: વિપક્ષના હોબાળાથી નારાજ થયા સ્પીકર ઓમ બિરલા, જાણો વિગતવાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે બજેટ સત્રના ત્રીજા દિવસની કાર્યવાહી હંગામા સાથે શરૂ થઈ હતી. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગૃહમાં પ્રવેશીને પોતાના આસન પર બેઠતા જ વિપક્ષી સાંસદોએ પ્રયાગરાજ મહાકુંભ ઘટનામાં થયેલા મૃત્યુ પર ચર્ચાની માંગ શરૂ કરી દીધી હતી. વિપક્ષના હોબાળા પર ગુસ્સે થઈને ઓમ બિરલાએ કહ્યું કે, 'પ્રજાએ તમને ટેબલ તોડવા માટે નથી મોકલ્યા. 'લોકસભાની કાર્યવાહી દરમિયાન વિપક્ષી સાંસદો સતત હંગામો મચાવી રહ્યા છે. તેઓ મહાકુંભ નાસભાગમાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓની યાદી જાહેર કરવાની માગ કરી રહ્યા છે.
આ સાથે જ તેઓ સતત CM યોગી અને PM મોદીના રાજીનામાની માગ કરી રહ્યા છે. વિપક્ષી સભ્યોની માંગ પર સ્પીકરે પ્રશ્નકાળ ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો અને કહ્યું કે, આ વિષયને મહામહિમ રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં પણ સામેલ કર્યો હતો. તમે આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન આ વિષય પર વાત કરી શકો છો. ત્યારબાદ વિપક્ષી સભ્યોએ પ્રયાગરાજ મહાકુંભ દુર્ઘટના પર ચર્ચાની માગ કરતા સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો. સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સદસ્યોને પ્રશ્નકાળ ચાલુ રાખવાની અપીલ કરતા કહ્યું કે, 'આ સદસ્યોનો મહત્વપૂર્ણ સમય હોય છે. તમે સરકારને સવાલ પૂછવા નથી માગતા.' આ દરમિયાન વિપક્ષી સાંસદો સૂત્રોચ્ચાર કરતા વેલમાં ધસી આવ્યા હતા. વિપક્ષના હંગામા વચ્ચે લોકસભાની કાર્યવાહી ચાલુ છે.
સ્પીકરે એનકે પ્રેમચંદ્રન અને કીર્તિ આઝાદના નામ લઈને કહ્યું કે તમે મને કહો છો કે અમારે મહત્વપૂર્ણ સવાલો પૂછવા છે અને તમારી સીટ પર નથી બેસતા. વિપક્ષને સલાહ આપતાં તેમણે કહ્યું કે, 'જો તમને લાગે કે દેશની જનતાએ તમને પ્રશ્નકાળની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા માટે મોકલ્યા છે, તો તમે એ જ કામ કરો. પ્રશ્નકાળ દરમિયાન જ્યારે મણિક્કમ ટાગોર અને મનીષ તિવારીનો સવાલ પૂછવાનો વારો આવ્યો ત્યારે સ્પીકરે કહ્યું, તમારે સવાલો નથી પૂછવા તો ઠીક છે'. વિપક્ષી સભ્યોના હોબાળા વચ્ચે સ્પીકરે તેમને ચેતવણી આપી કે, 'માનનીય સભ્યો જનતાએ તમને અહીં ટેબલ તોડવા માટે નથી મોકલ્યા નથી'