રિપોર્ટ@દેશ: દેશભરની બૅન્કોમાં આજથી શરુ થનારી બે દિવસીય હડતાળ પાછી ખેંચાઈ

 
આંદોલન

યુનિયને મહત્ત્વની બેઠક બાદ લીધો મોટો નિર્ણય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજથી શરુ થનારી બે દિવસીય હડતાળ પાછી ખેંચાઈ છે. યુનાઈટડ ફોરમ ઓફ બૅન્ક યુનિયન્સે 24-25 માર્ચની બૅન્ક હડતાલ મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. પાંચ દિવસીય કામકાજના દિવસો સહિત અનેક મુખ્ય મુદ્દાઓ પર સફળ ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.ઇન્ડિયન બૅન્ક ઍસોસિએશન (IBA), કેન્દ્રીય નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવા વિભાગ (DFS) અને કેન્દ્રીય શ્રમ કમિશ્નર(CLC)ના પ્રતિનિધિઓએ બૅન્ક કર્મચારીઓ સાથે ચર્ચામાં ભાગ લીધો હતો.

આ બેઠક ખાસ કરીને યુનિયનોની માંગણીઓને સંબોધવા માટે યોજવામાં આવી હતી. UFBUના મુખ્ય સભ્યો એક ઓલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લોઈઝ ઍસોસિએશન(AIBEA)એ નિવેદન આપ્યું હતું કે, ગયા અઠવાડિયે સરકાર સાથે એક સફળ બેઠક યોજાઈ હતી. જેમાં કર્મચારીઓને નડતાં પડકારો અને સમસ્યાઓ રજૂ કરવામાં આવી હતી. આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવાનો સરકારે વચન આપ્યું હોવાથી હડતાળનો નિર્ણય પાછો લીધો છે. ઉલ્લેખનીય છે, UFBU એ નવ બૅન્ક યુનિયનનું જોડાણ છે. UFBUમાં AIBEA, AIBOC, NCBE, AIBOA અને BEFI જેવા મુખ્ય બૅન્કિંગ યુનિયનોનો સમાવેશ થાય છે.

તમામ સ્ટેકહોલ્ડર્સની આગામી બેઠક એપ્રિલના ત્રીજા સપ્તાહમાં યોજાશે.DFSના જોઇન્ટ સેક્રેટરી આ બેઠકમાં વીડિયો કૉલ મારફત હાજર રહ્યા હતા. બેઠકમાં બૅન્ક કર્મચારીઓ માટે સપ્તાહમાં પાંચ દિવસ કામકાજના દિવસો કરવા ઉપરાંત નવી ભરતી, પર્ફોર્મન્સ-લિંક્ડ ઇન્સેન્ટિવ્સ (PLI) સહિત અન્ય સમસ્યાઓ પર ચર્ચા થઈ હતી.