રિપોર્ટ@દેશ: અમેરિકી સેનાએ કર્યો મોટો હુમલો, 74ના મોત, 171થી વધુ ઘાયલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમેરિકી સેનાએ યમનના રાસ ઈસા ઓઇલ પોર્ટ પર કરેલા મોટા હવાઈ હુમલામાં ભારે જાનહાનિ થઈ છે. આ હુમલામાં ઓછામાં ઓછા 74 લોકોના મોત થયા છે અને 171 લોકો ઘાયલ થયા હોવાની માહિતી યમનમાં સક્રિય હુથી વિદ્રોહીઓએ આપી છે. આ હુમલો ગુરુવારે મોડી રાત્રે (18 એપ્રિલ, 2025) થયો હતો, તે સમયે ઘણા લોકો બંદર પર કામ કરી રહ્યા હતા. આ હુમલાની પુષ્ટિ કરી છે. સેન્ટકોમના જણાવ્યા અનુસાર, આ હુમલાનો મુખ્ય ઉદ્દેશ્ય હુથી બળવાખોરોના બળતણ અને આર્થિક સંસાધનોને નબળા પાડવાનો હતો. અલ-જઝીરાના અહેવાલ મુજબ, આ હુમલામાં બંદર અને તેની આસપાસના વિસ્તારોને ખાસ નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં પોર્ટના કામદારો અને ટ્રક ડ્રાઈવરો પણ પ્રભાવિત થયા હતા.
રાસ ઇસા બંદર યમન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશની 70 ટકાથી વધુ આયાત અને 80 ટકા માનવતાવાદી સહાય ત્યાંથી જ આવે છે. આ હુમલા બાદ વિસ્તારમાં ભારે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે. હુથી બળવાખોર સમર્થિત અલ મસિરાહ ટીવીએ હુમલા બાદના વિસ્ફોટ અને નુકસાનના વીડિયો જાહેર કર્યા છે. આ વીડિયોમાં સળગતી ટ્રક, કાટમાળ અને નાગરિકોના મૃતદેહો દેખાઈ રહ્યા છે, જે હુમલાની ભયાવહતા દર્શાવે છે. અહેવાલો અનુસાર, આ હુમલામાં ઘણા બંદર કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે.
રાજકીય સ્તરે પણ આ હુમલાના પડઘા પડ્યા છે. હુથી અધિકારી મોહમ્મદ નાસેર અલ-અતિફીએ કહ્યું કે આ હુમલો યમનના લોકોને ગાઝાને સમર્થન કરતા અટકાવી શકશે નહીં, પરંતુ તેમના સંકલ્પને વધુ મજબૂત કરશે. આ હુમલાના કલાકો પછી, ઇઝરાયેલી સૈન્યએ દાવો કર્યો હતો કે તેણે યમનમાંથી છોડેલી એક મિસાઇલને આંતરી હતી. નવેમ્બર 2023થી, હુથીઓએ લાલ સમુદ્રમાં ઇઝરાયેલ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવતા જહાજો પર સો કરતાં વધુ હુમલાઓ કર્યા છે. આ હુમલાઓ બાદ ક્ષેત્રમાં તણાવ વધ્યો છે. વોશિંગ્ટને ચેતવણી આપી છે કે જો લાલ સમુદ્રમાં હુમલા બંધ નહીં થાય તો સૈન્ય કાર્યવાહી ચાલુ રહેશે.