રીપોર્ટ@દાહોદ: શિક્ષણ મંડળીમાંથી હેવી પગાર લેતાં માસ્તરનો દાખલાઓમાં વેપાર, આપો ને લઈ જાઓ

 
Tex
માસ્તર અને મળતિયાઓએ બોગસ દાખલાનો વેપાર કરી લીધો છે.

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

દાહોદ જિલ્લામાં કૌભાંડોની હારમાળા અને શૃંખલા વચ્ચે કોઈપણ સંજોગોમાં શિક્ષણ મંડળીનું કરોડોનું કૌભાંડ બહાર આવે તો ખુદ તેના સભ્યોના હિતમાં છે. ટેક્ષ ચોરીના રીપોર્ટ બાદ વધુ એક ચોંકાવનારી વિગતો આવી રહી કે, બોગસ દાખલા આપવામાં મોટાપાયે વેપાર થયો છે. નેતુડી બની ફરતાં અને મોટા નેતાજીના સગાં હોવાનું જણાવતાં આ માસ્તર મંડળીમાંથી પણ ખૂબ ઉંચો પગાર મેળવે છે. આ માસ્તર અને મળતિયાઓએ પ્રમાણપત્રોના નામે પોતાની જ જમાતના નાના મોટા કોઈને પણ વેપારમાંથી છોડ્યા નથી. ટૂંક સમયમાં ઘટસ્ફોટ કરવાના પૂર્વ ભાગમાં આજે વધુ એક રીપોર્ટ જાણીએ પછી ઘટસ્ફોટની દિશામાં જઈએ. વાંચો નીચેના ફકરામાં ઘટસ્ફોટ પૂર્વેનો ભાગ-2


દાહોદ જિલ્લામાં કલેક્ટરથી માંડીને પ્રભારી મંત્રી અને ખુદ દાદાની સરકાર ગરીબોના‌ હક્ક અને વહીવટમાં પારદર્શકતા લાવવા તનતોડ મહેનત કરે છે. જોકે કૌભાંડની જાણે તાલીમ લેતાં હોય તેમ ભ્રષ્ટાચારના એક પછી એક ચકચારી કેસ બહાર આવી રહ્યા છે. જેમાં કોઈ એક શિક્ષણ મંડળીના સત્તાધિશોએ પાછલાં કેટલાંક વર્ષોમાં પોતાનો ગેરવ્યાજબી વેપાર કરવા ટેક્ષ ચોરી કરાવવા કોઈ કસર છોડી નથી તેવી વિગતો ખુલી રહી છે. અધૂરા અને પૂરતી માહિતી વગરના પ્રમાણપત્રો ચોક્કસ રકમ લઈને રીતસર વહીવટથી આપ્યા હોવાની વિગતો સપાટી પર આવી રહી છે. જેવી વ્યક્તિ અને જેવી જરૂરિયાત મુજબ આ માસ્તર અને મળતિયાઓએ બોગસ દાખલાનો વેપાર કરી લીધો છે. વાંચો નીચેના ફકરામાં કેવી રીતે ખુલશે આ મહા કૌભાંડ


સૂત્રોએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ તો જેવીરીતે દાખલા અથવા પ્રમાણપત્રોનો વેપાર થયો, ગેરમાર્ગે દોરતી ઓનલાઇન વિગતો ભરી, ચકાસણી કરનારા અને પોતાને ખૂબ હોશિયાર સમજતાં સાહેબે જાણવા છતાં આવા બોગસ દાખલાને સમર્થન આપ્યું અને આખરે સૌએ ભેગા મળીને મોટી ભાગબટાઇ કરી લીધી છે. આ શિક્ષણ મંડળીના માસ્તરે પોતે મહાન નેતુડી હોય તેમ અને મોટા નેતાજીના સગાં હોવાની ડંફાસથી બે જગ્યાએથી દર મહિને મોટી રકમ લીધે રાખી છે. જવાબદારી જે તે સ્થળે હોવા છતાં મોટાભાગનો સમય મંડળીના વહીવટમાં ખર્ચી આ માસ્તરે બોગસ પ્રમાણપત્રોનો કરેલો વેપાર ટૂંક જ સમયમાં છાપરે ચડીને બહાર આવે તેવી પ્રબળ શક્યતા છે. આવી સ્થિતિમાં કર ચોરી માટે ઉભા કરેલા આવા બોગસ દાખલા ખુલા પડશે ત્યારે દાન કર્યાની ખોટી પહોંચ પણ ઉઘાડી પડશે ત્યારે અત્યાર સુધીનું કદાચ સૌથી મોટું અને એકબીજાથી ચેનલથી થયું કૌભાંડ બહાર આવી શકે છે.