રીપોર્ટ@દાહોદ: મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, 71 કરોડથી વધુની ગેરરીતિનો આરોપ

 
કૌભાંડ
આ કૌભાંડમાં 72 કરોડ રૂપિયાની ચુકવણીને લઈને શંકા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેવગઢ બારીયા તાલુકામાં મનરેગા યોજનામાં મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કૌભાંડમાં 71 કરોડ રૂપિયાથી વધુની ગેરરીતિનો આરોપ છે. આ કૌભાંડમાં ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, કામો કર્યા વગર બિલ ઉપાડી લેવામાં આવ્યા હતા.આ કૌભાંડમાં 35 થી વધુ એજન્સીઓ સામેલ હોવાની આશંકા છે. તપાસમાં ખુલાસો થયો છે કે બળવંત ખાબડ અને તેના ભાઈ કિરણ ખાબડ એક એજન્સીમાં ભાગીદાર હતા. હાલ કિરણ ખાબડ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

આ ઉપરાંત ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે આ ત્રણેયની પૂછપરછ કરીને કૌભાંડમાં સામેલ અન્ય વ્યક્તિઓ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ કૌભાંડમાં 72 કરોડ રૂપિયાની ચુકવણીને લઈને શંકા છે.કોંગ્રેસે આ કૌભાંડ અંગે ગુજરાત વિજીલન્સ કમિશનમાં પહેલાં જ ફરિયાદ કરી હતી. કોંગ્રેસના નેતા હેમાંગ રાવળે આરોપ લગાવ્યો છે કે, બચુ ખાબડના પુત્રો દ્વારા ચલાવવામાં આવતી રાજશ્રી નામની એજન્સીએ અનેક કૌભાંડો આચર્યા છે. તેમણે ઉદાહરણ તરીકે 300થી વધુ ચેકડેમ બનાવ્યા હોવાનો દાવો કરીને 16 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. આ ઘટનાથી સરકારની ઝીરો ટોલરન્સ નીતિ પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે.