રીપોર્ટ@ડાંગ: મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે ભાજપને મોટો ઝટકો, પૂર્વ ધારાસભ્ય સહિત કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં નવા મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે ડાંગ જિલ્લાની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. આજે એક મોટો અને મહત્વનો ફેરફાર જોવા મળ્યો છે. ડાંગના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી સમાજના અગ્રણી નેતા મંગળ ગાવિતે ભાજપ સાથેના પોતાના ટૂંકા સમયમાં આજે પૂર્ણવિરામ મૂકી દીધું છે. ગાવિતે ફરી એકવાર કોંગ્રેસનો હાથ પકડ્યો છે. જેના કારણે જિલ્લા ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે. ગાવિત માત્ર એકલા જ કોંગ્રેસમાં જોડાયા નથી, પરંતુ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે તેમણે કોંગ્રેસનું સભ્યપદ લીધું છે.
આ ઘટના કોંગ્રેસ માટે ડાંગ જિલ્લામાં મોટી સફળતા અને આવકાર્ય સંકેત છે પ્રદેશ કોંગ્રેસના અગ્રણી નેતા અમિત ચાવડાના હસ્તે ખેસ ધારણ કરીને મંગળ ગાવિતે વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. મંગળ ગાવિતની સાથે ભાજપના અન્ય સક્રિય કાર્યકરોએ પણ કોંગ્રેસમાં જોડાયા છે. જે ભાજપ માટે મોટો ફટકો ગણી શકાય. કોંગ્રેસમાં જોડાનાર કાર્યકરોની વાત કરીએ તો દીપક પીપળે, જેઓ હાલમાં આહવા તાલુકા પંચાયતના સભ્ય છે, તેમનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, જિલ્લા પંચાયતના સભ્ય લાલભાઈ અને આદિવાસી સમાજના અગ્રણી નેતા વસંતભાઈ પણ કોંગ્રેસમાં જોડાયા છે.
આ તમામ નેતાઓનું કોંગ્રેસમાં જોડાણ એ માત્ર વ્યક્તિગત નહીં. પરંતુ જમીની સ્તરે સંગઠન માટે એક મોટી તાકાત ગણાશે.પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતની કોંગ્રેસમાં ઘર વાપસી થતાંની સાથે જ સ્થાનિક કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ અને જોશ જોવા મળી રહ્યો છે. કાર્યકરો માની રહ્યા છે કે ગાવિતના અનુભવ અને જનસંપર્કથી ડાંગ જિલ્લામાં કોંગ્રેસને ફરી મજબૂત બનાવવામાં મદદ મળશે. આગામી સમયમાં આ ફેરફાર ડાંગ જિલ્લાના રાજકીય સમીકરણો પર કેવો પ્રભાવ પાડે છે.