રિપોર્ટ@ડાંગ: શાળાએ કરિયાણાની વસ્તુઓનું ટેન્ડર ઓફલાઈન કર્યું, તાત્કાલિક કાર્યવાહીની રાળ
અટલ સમાચાર ડોટ કોમ, ડાંગ
ડાંગ જિલ્લાની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે દૈનિક અનાજ કરિયાણાની વસ્તુઓ ખરીદવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં શાળાના આચાર્ય સહિતનાએ ઓનલાઇન જોગવાઈની વિરુદ્ધ જઈને ઓફલાઇન ટેન્ડર કરતાં વિવાદ સર્જાયો છે. શાળાની વિવિધ કમિટીઓ પૈકીમા ડાંગ કલેક્ટર અધ્યક્ષ છતાં આચાર્યે ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ પોર્ટલને સાઇડ કરી મનસ્વી ઓફલાઇન પ્રક્રિયા કેમ કરી તેના બાબતે સૌથી મોટા સવાલ ઉભા થયા છે. ચોક્કસ વેપારીઓને સમર્થન અને ચોક્કસ વેપારીઓને દૂર કરવાના ઈરાદાથી સાપુતારા સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલના આચાર્યે કામગીરી કરી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. જાણીએ સમગ્ર અહેવાલ.
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે પીએમ એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે દૈનિક ભોજનની વ્યવસ્થા છે. આ વ્યવસ્થા હેતુ વાર્ષિક અનાજ કરિયાણાની જરૂરિયાત રહે ત્યારે સરકારની જોગવાઈ મુજબ ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર ઓનલાઇન ટેન્ડર થતા હોય છે. જોકે હાલમાં સાપુતારા સ્થિત શાળા દ્વારા ઓનલાઈનને બદલે કોઈ કારણસર ઓફલાઇન ટેન્ડર કરતાં ચોંકાવનારી સ્થિતિ બની છે. વેપારી આલમમાં અનેક સવાલો વચ્ચે મામલો ત્યાં સુધી પહોંચી ગયો કે, શાળાના આચાર્યે ચોક્કસ વેપારીઓને ટેન્ડરથી દૂર કરવા અને માનીતા વેપારીને મનસ્વી રીતે ઓફલાઇન ટેન્ડરમા લાવવા કામ કર્યાના ગંભીર આક્ષેપ થયા છે. અહિં સૌથી અગત્યની વાત સામે આવી કે, શાળાના કેટલીક કમિટીના અધ્યક્ષ ડાંગ કલેક્ટર હોવા છતાં આચાર્યે શું કારણથી ઓફલાઇન ટેન્ડર કર્યું તેના સવાલો છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સાપુતારા જ નહિ અનેક એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ દ્વારા અનાજ કરિયાણાની વસ્તુઓ ખરીદવા ટેન્ડર થાય છે અને થયા છે જે ઓનલાઇન ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર છે, જોકે સાપુતારાની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલના આચાર્યે કેમ ઓફલાઇન ટેન્ડર કર્યું તે વેપારી આલમમાં તો સવાલો કરે જ છે સાથે સાથે સરકારની જોગવાઈ શાળા દીઠ અલગ અલગ કેવીરીતે હોઈ શકે તે પણ સૌથી મોટો સવાલ ઉભો કરે છે. વેપારી વર્ગની ગંભીર અને તાત્કાલિક રજૂઆત ફરિયાદ છે કે, સદર ઓફલાઇન ટેન્ડર રદ્દ કરી તુરંત ઓનલાઇન નિયમાનુસાર ટેન્ડર કરવામાં આવે અન્યથા કમિટી અધ્યક્ષ ડાંગ કલેક્ટરને જાણ કરી યોગ્ય ન્યાયની માંગ બુલંદ કરવામાં આવશે.

