રિપોર્ટ@દિલ્હી: પાણીની માંગને લઈને ભૂખ હડતાળ પર ઉતરેલા મંત્રી આતિશીની તબિયત બગડી, હોસ્પિટલમા ભરતી

 
આતીશી

આદમી પાર્ટીના નેતા આતિશી ભૂખ હડતાળ પર ઉતર્યા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દિલ્હીના લોકો માટે પાણીની માંગણીને લઈને ભૂખ હડતાળ પર ઉતરેલા મંત્રી આતિશીની તબિયત બગડી હતી, ત્યારબાદ તેમને મંગળવારે વહેલી સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જળ મંત્રી આતિશીની તબિયત બગડતાં તેમને LNJP હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.તેમણે રાષ્ટ્રીય રાજધાનીમાં જળ સંકટને લઈને 21 જૂનથી અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ શરૂ કરી હતી. જે 5માં દિવસમાં પ્રવેશી ગઈ છે.આમ આદમી પાર્ટીનો આરોપ છે કે હરિયાણા સરકાર દિલ્હીના હિસ્સાનું પાણી આપી રહી નથી. જેના વિરોધમાં આતિશીએ ઉપવાસ શરૂ કર્યા હતા.

 

તેમનો આરોપ છે કે પડોશી રાજ્ય હરિયાણાની સરકારે 100 મિલિયન ગેલન પ્રતિ દિવસ પાણી છોડ્યું નથી, જેના કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં જળ સંકટ સર્જાયું છે. આતિશીને આજે સવારે રાષ્ટ્રીય રાજધાનીની લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે આતિશીના સ્વાસ્થ્ય વિશે જણાવ્યું હતું કે, "ગઈ રાતથી તેનું બ્લડ શુગર લેવલ ઘટી રહ્યું હતું. જ્યારે અમે તેના બ્લડ સેમ્પલ આપ્યા ત્યારે શુગર લેવલ 46 હતું. જ્યારે અમે પોર્ટેબલ મશીન વડે તેમનું શુગર લેવલ ચેક કર્યું ત્યારે તે 36 આવ્યુ.

ડૉકટરો તપાસ કરી રહ્યા છે અને પછી જ તેઓ કોઈ સૂચન આપશે."AAP સાંસદ સંજય સિંહે કહ્યું, "તેમનું બ્લડ સુગર લેવલ ઘટીને 43 થઈ ગયું છે. ડૉક્ટરોએ તેમને તેમની હાલત વધુ બગડે તે પહેલાં હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી છે. તેમને LNJP હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. તેમણે છેલ્લા 5 દિવસોથી કંઈ ખાધું નથી. તેમનું શુગર લેવલ ઘટી રહ્યું છે, કીટોન વધી રહ્યુ છે અને બીપી ઘટી રહ્યું છે તે પોતાના માટે નથી લડી રહ્યા, તે દિલ્હીના લોકો માટે લડી રહી છે.