રિપોર્ટ@દિલ્હી: આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ માટે આવાસની માંગ સાથે હાઈકોર્ટ પહોંચી
સુનાવણી 26 નવેમ્બર સુધી મુલતવી રાખી છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આમ આદમી પાર્ટી દિલ્હી હાઈકોર્ટમાં ગઈ છે, જેમાં કેન્દ્ર સરકારને પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં રહેઠાણ ફાળવવા માટેનાં નિર્દેશની માંગ કરી છે. પાર્ટીએ દલીલ કરી હતી કે આ સંદર્ભમાં જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર, રાષ્ટ્રીય પક્ષનાં અધ્યક્ષ દિલ્હીમાં રહેણાંક આવાસ માટે હકદાર છે.
જસ્ટિસ સંજીવ નરુલાની ખંડપીઠે આ અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને સુનાવણી 26 નવેમ્બર સુધી મુલતવી રાખી છે.અરજી દાખલ કરીને 'આપ'એ કહ્યું કે આ સંબંધમાં જારી કરાયેલી માર્ગદર્શિકા મુજબ રાષ્ટ્રીય રાજકીય પક્ષનાં અધ્યક્ષ દિલ્હીમાં રહેઠાણના હકદાર છે. આવી સ્થિતિમાં અરવિંદ કેજરીવાલને ઘર ફાળવવું જોઈએ.'આપ'ના વકીલે કહ્યું કે કેજરીવાલને આવાસ ફાળવવા માટે 20 સપ્ટેમ્બરે સંબંધિત અધિકારીઓને પત્ર લખવામાં આવ્યો હતો.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજકીય પક્ષોને સામાન્ય પૂલમાંથી આવાસની ફાળવણી માટેની માર્ગદર્શિકા મુજબ માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય રાજકીય પક્ષોને લાયસન્સ ફીની ચુકવણી પર તેમનાં કાર્યાલયના ઉપયોગ માટે આવાસ એકમની ફાળવણી કરવાની મંજૂરી છે. 5 જૂને હાઈકોર્ટે 'આપ'ની અરજી પર ચુકાદો આપ્યો હતો કે અન્ય રાષ્ટ્રીય રાજકીય પક્ષોની જેમ 'આપ' પણ દિલ્હીમાં પાર્ટી ઓફિસ માટે જગ્યા માટે હકદાર છે.