રિપોર્ટ@દિલ્હી: ભાજપ નેતાના વિવાદિત નિવેદનથી આતિશી રડી પડ્યા, જાણો વિગતવાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિલ્હીમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી થવાની છે. આ પહેલા દિલ્હીનું રાજકારણ ગરમાયું છે. દરમિયાન રમેશ બિધૂડીના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં સોમવારે મુખ્યમંત્રી આતિશી ભાવુક થઈ ગયા.તેમણે સોમવારે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં કહ્યું કે 'હું રમેશ બિધૂડીને કહેવા ઈચ્છીશ કે મારા પિતાજી સમગ્ર જીવન શિક્ષક રહ્યાં. તેમણે દિલ્હીના હજારો ગરીબ બાળકોને ભણાવ્યા છે. આજે તેઓ 80 વર્ષના થઈ ગયા છે. તેઓ એટલા બિમાર રહે છે કે આશરા વિના ચાલી શકતાં નથી. તમે ચૂંટણી માટે આવી હરકત કરો છો. એક વૃદ્ધ વ્યક્તિને અપશબ્દો બોલી રહ્યાં છો.
આ દેશનું રાજકારણ એટલું ખરાબ થઈ ગયુ છે કે હું ક્યારેય વિચારી પણ શકતી નહોતી. તેઓ પોતાના કામના આધારે વોટ માગે. તેઓ દક્ષિણ દિલ્હીથી દસ વર્ષ સાંસદ રહ્યાં છે. કાલકાજીના લોકોને જણાવો કે તેમણે દસ વર્ષ શું કર્યું. તેનો હિસાબ આપો? એ ખૂબ દુ:ખની વાત છે કે મારા વૃદ્ધ પિતાને અપશબ્દો કહીને તે વોટ માગી રહ્યાં છે.'
રમેશ બિધૂડીએ રવિવારે રોહિણીમાં આયોજિત પાર્ટીની પરિવર્તન રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે 'દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ તો પોતાના પિતા જ બદલી દીધા. તે માર્લેનાથી સિંહ થઈ ગયા. અરે આ માર્લેના, આ તો સિંહ બની ગઈ ભૈયા. નામ બદલી લીધું. કેજરીવાલે બાળકોના સોગંધ ખાધા હતા. ભ્રષ્ટાચારી કોંગ્રેસની સાથે નહીં જઉં. માર્લેનાએ નામ બદલી દીધું. પહેલા માર્લેના હતું, હવે સિંહ બની ગઈ. આ તેમનું ચરિત્ર છે. તેમણે સીએમ આતિશીના માતા-પિતા પર પણ નિશાન સાધ્યું અને દાવો કરતાં કહ્યું હતું કે આ જ માર્લેનાના પિતા અને માતાએ સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુની માફી માટે અરજી આપી હતી.