રીપોર્ટ@દિલ્હી: આજે DyCM અને CM ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક, જાણો વધુ
રાજ્ય સરકારના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતની આગામી મહત્વાકાંક્ષી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને લઈને આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે કર્ટન રેઝર કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. 31 ઓગસ્ટ, 2026ના રોજ યોજાનારા આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્ય સરકારના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આગામી 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન યોજાનારી સમિટ માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ મંચ તૈયાર કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સવારે ઉદ્યોગજગતના અગ્રણી પ્રતિનિધિઓ સાથેના સંવાદ સત્રને સંબોધન કરશે. આ દરમિયાન ગુજરાતમાં રોકાણની નવી તકો, ઔદ્યોગિક વિકાસ અને રાજ્યની રોકાણકારલક્ષી નીતિઓ અંગે ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરવામાં આવશે. ગુજરાતને વૈશ્વિક રોકાણ માટે વધુ આકર્ષક સ્થળ બનાવવા અંગે પણ સંવાદ થવાની શક્યતા છે. કર્ટન રેઝર કાર્યક્રમના ભાગરૂપે સાંજે હોટેલ તાજ પેલેસ ખાતે વિવિધ મિશનના વડાઓ તથા ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંવાદ સત્ર યોજાશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આ બેઠકમાં ગુજરાતના ઔદ્યોગિક વિકાસ, રોકાણની તકો અને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્દેશ્યો અંગે વાતચીત કરશે. ભારત મંડપમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિવિધ અગ્રણી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે વન-ટુ-વન બેઠકો કરશે. આ કંપનીઓમાં ટીપીઆરઈએલ, જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયા, શ્નાઈડર ઈલેક્ટ્રિક ઈન્ડિયા, ડીસીએમ શ્રીરામ લિમિટેડ, સિઓલ સેમિકન્ડક્ટર્સ, શ્રી સિમેન્ટ લિમિટેડ, પૂર્વાહ ગ્રીન પાવર, એલજી એનર્જી સોલ્યુશન્સ, જેબીએમ ગ્રુપ, દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઈન્ફ્રાકોન, મેક્સ હેલ્થકેર, ઉનો મિન્ડા એન્ડ એસીએમએ, એસીએમઈ સોલાર, શ્વીહાગ એજી, એરટ્રંક, એચઆઈએફ ગ્લોબલ, જીએચસીએલ, એસબર બેન્ક, પીબી ફિનટેક લિમિટેડ (પોલિસીબાઝાર અને પૈસાબાઝારની પેરેન્ટ કંપની) અને મેનકાઇન્ડ ફાર્માનો સમાવેશ થાય છે.
વન-ટુ-વન બેઠકો દરમિયાન રિન્યુએબલ એનર્જી, ઓટોમોબાઇલ, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ, સિમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થકેર અને ફાર્મા જેવા ક્ષેત્રો પર ચર્ચા થશે. આ ઉપરાંત રેલવે, AI અને ડેટા સેન્ટર્સ, IT, કેમિકલ્સ તથા બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ એન્ડ ઇન્શ્યોરન્સ એટલે કે BFSI ક્ષેત્રને પણ ચર્ચામાં આવરી લેવામાં આવશે. આ બેઠકોમાં કંપનીઓની રોકાણની તકો, વિસ્તરણની યોજનાઓ અને વ્યૂહાત્મક ભાગીદારી અંગે ખાસ ચર્ચા કરવામાં આવશે. ગુજરાતની મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ, સુદૃઢ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણકારોને અનુકૂળ નીતિઓ અંગે ઉદ્યોગજગતને માહિતગાર કરવામાં આવશે. સાથે જ ટકાઉ અને ટેક્નોલોજી આધારિત વિકાસના આગામી તબક્કામાં ગુજરાતની સજ્જતા પણ રજૂ કરવામાં આવશે. અમેરિકા અને કેનેડાની ઉચ્ચસ્તરીય આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળની મુલાકાત પૂર્ણ થયા બાદ ગુજરાત સરકાર હવે VGGS 2027ની તૈયારીઓને વધુ વેગ આપી રહી છે.

