રીપોર્ટ@દિલ્હી: સપા અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી પર મહામંથન, દિગ્ગજ નેતાઓ રહેશે ઉપસ્થિત
UP વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
UP વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. આગામી ચૂંટણીમાં સત્તાધારી પક્ષને મજબૂત ટક્કર આપવા માટે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની રણનીતિને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે આજે દેશની રાજધાની દિલ્હીમાં બંને પક્ષોના ટોચના નેતાઓ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં મુખ્યત્વે બેઠકોની વહેંચણીના ફોર્મ્યુલા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશની કુલ વિધાનસભા બેઠકો પર બંને પક્ષો વચ્ચે યોગ્ય તાલમેલ બેસાડવા માટે આ ચર્ચાનો દોર સતત બે દિવસ સુધી ચાલશે. ચૂંટણીના સમીકરણો, જ્ઞાતિગત ગણિત અને દરેક બેઠક પર બંને પક્ષોની સ્થાનિક મજબૂતાઈને ધ્યાનમાં રાખીને કયો પક્ષ કેટલી અને કઈ બેઠકો પર ચૂંટણી લડશે તે નક્કી કરવામાં આવશે.
બંને પક્ષોનો મુખ્ય ઉદ્દેશ્ય વિપક્ષી મતોનું વિભાજન અટકાવવાનો અને મજબૂત ઉમેદવારો મેદાનમાં ઉતારવાનો છે.આ હાઈ-પ્રોફાઇલ બેઠકમાં બંને પક્ષોના અગ્રણી નેતાઓ ભાગ લઈ રહ્યા છે. કોંગ્રેસ તરફથી પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેશે અને પક્ષનો પક્ષ રજૂ કરશે. ઉત્તર પ્રદેશના રાજકારણમાં સક્રિય રહેલા પ્રિયંકા ગાંધીની ભૂમિકા આ સીટ વહેંચણીમાં અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે. બીજી તરફ, સમાજવાદી પાર્ટી તરફથી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય પ્રમુખ અખિલેશ યાદવના વિશ્વાસુ ગણાતા રામ ગોપાલ યાદવ આ બેઠકમાં સપાનું પ્રતિનિધિત્વ કરશે.આ બે દિવસીય બેઠકમાં માત્ર બેઠકોની સંખ્યા જ નહીં, પરંતુ સંયુક્ત ચૂંટણી પ્રચાર, રેલીઓ અને કોમન મિનિમમ પ્રોગ્રામ જેવા મુદ્દાઓ પર પણ પ્રાથમિક ચર્ચા થવાની સંભાવના છે.

