રિપોર્ટ@દિલ્હી: રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવી

 
કેજરીવાલ
સીએમ કેજરીવાલ અને તેમની પાર્ટી સતત આ આરોપોને નકારી રહી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવી છે. કેજરીવાલને તિહાર જેલમાંથી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા હાજર કરવામાં આવ્યા હતા. દિલ્હી એક્સાઇઝ પૉલિસીમાં કથિત ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈ તપાસ ચાલી રહી છે, આ કેસમાં દિલ્હીના સીએમ કેજરીવાલ અને અન્ય અધિકારીઓ પર નાણાકીય વ્યવહારોમાં છેડછાડ અને અયોગ્ય લાભ લેવા જેવા ગંભીર આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે.

તેમના પર દિલ્હીની એક્સાઇઝ પૉલિસીમાં ફેરફાર હેઠળ કેટલાક ખાસ કૉન્ટ્રાક્ટરો અને કંપનીઓ પાસેથી અયોગ્ય લાભ લેવાનો આરોપ છે. સીબીઆઈએ આ કેસમાં ઘણા વરિષ્ઠ અધિકારીઓ અને રાજકીય વ્યક્તિઓની પૂછપરછ કરી છે, કેજરીવાલ અને તેમની પાર્ટી સતત આ આરોપોને નકારી રહી છે અને કહે છે કે કેજરીવાલને જાણી જોઈને ફસાવવામાં આવ્યા છે. સીએમ સામેના તમામ આરોપો રાજકીય રીતે પ્રેરિત છે, પાર્ટીના પ્રવક્તાઓનું કહેવું છે કે ભાજપ દ્વારા સીએમ કેજરીવાલની છબી ખરાબ કરવાની આ એક ષડયંત્ર છે.

ભાજપે આ મામલે AAP સરકાર પર પ્રહારો કર્યા છે. તેમનું કહેવું છે કે આ તપાસ ભ્રષ્ટાચાર સામેની લડાઈને મજબૂત બનાવશે અને ગુનેગારોને સજા થશે. આ મામલામાં આગામી સુનાવણી 8 ઓગસ્ટે થશે. જેલમાં રહ્યા બાદ પણ અરવિંદ કેજરીવાલે સીએમ પદ પરથી રાજીનામું આપ્યું નથી. હાલ સમગ્ર દેશની નજર આ બાબત પર છે.