રિપોર્ટ@દિલ્હી: 5 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી માટે થશે મતદાન, 8 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
70 વિધાનસભા બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિલ્હીના લોકો અને રાજકીય પક્ષો જેની રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી ગયો છે. ચૂંટણી પંચે આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ના કાર્યક્રમની જાહેરાત કરી હતી. ચૂંટણી પંચે કહ્યું છે કે દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ હાજર હતા.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાનની સાથે ચૂંટણી પંચે ચૂંટણી પરિણામોની તારીખ પણ જાહેર કરી દીધી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાનના પરિણામો 8 ફેબ્રુઆરીએ એટલે કે ચૂંટણીના 3 દિવસ પછી જાહેર કરવામાં આવશે.ગયા સોમવારે ચૂંટણી પંચે દિલ્હીમાં મતદારોની સંખ્યા પણ જાહેર કરી હતી. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ મતદારોની અંતિમ યાદી અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 નોંધાયેલા મતદારો છે. આ સાથે જ પુરૂષ મતદારોની સંખ્યા 84 લાખ 49 હજાર 645 અને મહિલા મતદારોની સંખ્યા 71 લાખ 73 હજાર 952 છે.