રીપોર્ટ@દેશ: ગુજરાત સહિત 11 રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપીની ચેન્નઈમાંથી ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, અને પબ્લિક સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારા આરોપીની અમદાવાદની સાયબર ક્રાઈમ બ્રાન્ચે ચેન્નઈમાંથી ધરપકડ કરી છે. ટેક્નિકલ સર્વેલન્સ અને ડિજિટલ ફોરેન્સિકની તપાસ માધ્યમથી આરોપી રેની જોસિલ્ડાને તમિલનાડુના ચેન્નઈમાંથી ટ્રેસ કરવામાં સફળતા મળી હતી.
2022થી ચેન્નઈમાં ડેલોઇટ USIમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કામ કરતી જોસિલ્ડાએ પોતાની ઓળખ અને સ્થાન છુપાવવા માટે મલ્ટીપલ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક્સ, નકલી ઇમેઇલ ID અને ડાર્ક વેબનો ઉપયોગ કર્યો હતો. તેણે કથિત રીતે સરખેજમાં જિનિવા લિબરલ સ્કૂલ, બોપલમાં દિવ્ય જ્યોત સ્કૂલ, અસારવામાં BJ મેડિકલ કોલેજ અને મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત અગ્રણી સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપતા અનામી એકાઉન્ટ્સમાંથી 21 થી વધુ ઇમેઇલ મોકલ્યા હતા.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, જોસિલ્ડા સાયબર ટૂલ્સ અને સોશિયલ એન્જિનિયરિંગમાં કુશળ હતી. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આઈટી ક્ષેત્રે કારકિર્દી બનાવનારી જોસિલ્ડા છેલ્લા એકથી વધુ વર્ષથી આ પ્રકારના ધમકીભર્યા ઈમેઈલ જુદા-જુદા અંદાજે 11 રાજ્યોમાં મોકલ્યા હતાં. અત્યાર સુધીમાં કુલ 21 ઈમેઈલ શોધી કાઢવામાં આવ્યા છે. આ મામલે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની જાણકારી મેળવવા તપાસ ચાલુ છે.પોલીસ તપાસમાં રેની જોસિલ્ડાના આ કૃત્ય પાછળનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. રેની એક યુવકના એકતરફી પ્રેમમાં પાગલ હતી. તે યુવકે રેની સાથે લગ્ન કરવાની ના પાડી હતી અને બાદમાં અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. આ યુવક પ્રત્યેની ધિક્કાર અને બદલો લેવાની ભાવનાથી પ્રેરાઈને આ કાવતરું રચ્યું હતું.