રિપોર્ટ@દેશ: બાબા રામદેવ ફરી મુશ્કેલીમાં, પતંજલિના દંતમંજનને વેજીટેરિયન પ્રોડક્ટ ગણાવતા હાઇકોર્ટમાં કેસ

 
બાબા રામદેવ
આ દંતમંજનમાં માછલીના અંશો મળી આવ્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બાબા રામદેવની મુસિબતમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે. પતંજલિના દંતમંજન વેજીટેરિયન હોવાનો દાવો કરી એને વેંચવામાં આવે છે. જોકે એ નોન-વેજ હોવાનું જાણ થતાં એના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. દિલ્હી હાઇકોર્ટ દ્વારા એ ફરિયાદને ધ્યાનમાં રાખીને નોટિસ જાહેર કરવામાં આવી છે.જસ્ટિસ સંજીવ નરુલાની બેન્ચ દ્વારા પતંજલિ, દિવ્ય ફાર્મસી, બાબા રામદેવ, કેન્દ્ર સરકાર અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને નોટિસ મોકલવામાં આવી છે.

આ સુનાવણી હવે નવેમ્બરમાં કરવામાં આવશે. આ ફરિયાદ વકીલ યતિન શર્માએ દાખલ કરી છે. યતિન શર્માનાની ફરિયાદ બાદ તેનો કેસ વકીલ સ્વપ્નિલ ચૌધરી અને પ્રશાંત ગુપ્તા લડી રહ્યાં છે. તેમણે કહ્યું કે દિવ્ય દંતમંજનના પેકેટ પર ગ્રીન ડોટ દેખાડવામાં આવી રહ્યું છે. ગ્રીન ડોટનો મતલબ વેજીટેરિયન છે, પણ આ દંતમંજનમાં માછલીના અંશો મળી આવ્યા છે. આ અવશેષ નોન-વેજની કેટેગરીમાં આવે છે. એ પણ કહેવામાં આવ્યું છે કે કાયદા મુજબ દવાને વેજ અથવા તો નોન-વેજની કેટેગરીમાં રાખવાની જરૂર નથી. જોકે આ દંતમંજન પર ગ્રીન ડોટ છે જે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ મુજબ ખોટી રીતે બ્રાન્ડિંગ કરવામાં આવી રહ્યું છે.

આ ફરિયાદમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ફરિયાદ કરનાર અને તેની ફેમિલીની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. ધર્મમાં માનતા હોવાથી તેઓ ફક્ત વેજીટેરિયન વસ્તુનો જ ઉપયોગ કરે છે. તેમને જ્યારે ખબર પડી કે આ દંતમંજનમાં માછલીના અંશ મળી આવ્યા છે તો તેમની લાગણીઓને ઠેસ પહોંચી છે. માછલીમાં આવતાં એક અંશનો એમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.આ ફરિયાદમાં દંતમંજનને લાયસન્સ આપનાર કર્મચારીઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ સાથે જ એમાં જે અધિકારીની ભૂલ હોય એને દંડ કરવાની પણ માંગણી કરવામાં આવી છે.