રિપોર્ટ@દેશ: જીએસટી કાઉન્સિલની બેઠકમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનને લઈને મોટો નિર્ણય
સામાન્ય લોકો પર તેની સીધી અસર થશે નહીં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 2000 રૂપિયાની નીચેના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર 18 ટકા GST લાગશે. આમાં પેમેન્ટ ગેટવેને કોઈ છૂટ નહીં મળે. આ નિર્ણય બાદ ટ્રાન્ઝેક્શનની મર્ચેન્ટ ફી પર 18 ટકા GST લગાવવામાં આવશે. જીએસટી ફિટમેન્ટ કમિટીની સલાહ છે કે, પેમેન્ટ એગ્રીગેટર્સ પાસેથી આ કમાણી પર 18 ટકા જીએસટી લેવામાં આવશે.
આ જીએસટી પેમેન્ટ એગ્રીગેટર પાસેથી વસૂલવામાં આવશે. પેમેન્ટ એગ્રીગેટર થર્ડ પાર્ટી પ્લેટફોર્મ હોય છે અને એક મર્ચેન્ટને ચૂકવણીની રકમ સ્વીકાર કરવામાં મદદ કરે છે. રેઝરપે, પેટીએમ અને ગૂગલ પે એગ્રીગેટના ઉદાહરણ છે. પેમેન્ટ એગ્રીગેટર તેમની સર્વિસ આપવા માટે મર્ચેન્ટ્ર પાસેથી કેટલાક રૂપિયા લે છે. આ દર ટ્રાન્ઝેક્શનના 0.5-2 ટકા હોય છે.
મોટાભાગના એગ્રીગેટર તેને 1 ટકા પર રાખે છે. સરકાર જે સર્વિસ માટે ટેક્સ લે છે, તે આ 0.5-2 ટકાવાળી રકમ પર લે છે. એટલા માટે સામાન્ય લોકો પર તેની સીધી અસર થશે નહીં. પરંતુ નાના દુકાનદારો માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. આજે નાણા મંત્રી નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વીમા પોલિસીઓ પર જીએસટી દરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને ગ્રાહકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા.