રિપોર્ટ@દેશ: બંગાળમાં ભાજપના નેતા પર ગોળીબાર, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં જુનિયર મહિલા ડૉક્ટર સાથે થયેલા જંગાલિયતભર્યા અત્યાચારના વિરોધમાં છેલ્લા 15 દિવસથી બંગાળમાં નાગરિકોનો ભારે વિરોધ ચાલી રહ્યો છે. આ દરમિયાન આજે કેટલાક લોકોએ ભાજપના નેતા ઉપર ગોળીબાર કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ હુમલામાં ભાજપ નેતા ગંભીર રીતે ઘવાયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળના ભાટપારામાં ભાજપ નેતા પ્રિયાંગુ પાંડેયની કાર ઉપર ગુંડાઓએ છ રાઉન્ડ ગોળીબાર કર્યો છે. ગોળીબાર થયો તે સમયે ભાજપ નેતા પાંડેય કારમાં હતા. ગોળી વાગવાથી ભાજપ નેતા પ્રિયાંગુ પાંડેય ગંભીર રીતે ઘાયલ થયા છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતા અહેવાલ મુજબ આ ગોળીબારમાં પાંડેયના ડ્રાઈવરને પણ માથામાં ગોળી વાગી છે અને તેને પણ સારવાર માટે લઈ જવામાં આવ્યો છે.
આ ગોળીબાર ટીએમસીના કાર્યકરોએ કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ભાજપ નેતા ઉપર ગોળીબાર કરી રહેલા ગુંડાઓનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળ ભાજપનો આક્ષેપ છે કે, વિદ્યાર્થીઓના શાંતિપૂર્ણ આંદોલનમાં ટીએમસીના વિદ્યાર્થી સંગઠને કૂદીને માહોલ બગાડ્યો છે. આ કારણે ભાજપે આજે 12 કલાકના બંગાળ બંધનું એલાન આપ્યું છે.