રિપોર્ટ@દેશ: પટનામાં ભાજપના નેતાની ગોળી મારી હત્યા, ઘટનાને અંજામ આપ્યા બાદ ગુનેગારો ફરાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે વહેલી સવારે ભાજપના એક નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના પટના શહેરના મંગલ તાલાબ પાસે મનોજ કમલિયા ગેટ પર બની હતી. વહેલી સવારે ફાયરીંગથી રાજધાની પટના હચમચી ઉઠયું હતું. મૃતકની ઓળખ બીજેપી નેતા શ્યામ સુંદર ઉર્ફે મુન્ના શર્મા તરીકે થઈ છે. આ ઘટના આજે સવારે 4 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. શ્યામ સુંદર મનોજ કમલિયા ગેટ પાસે પહોંચ્યા હતા ત્યારે ગુનેગારોએ તેને ગોળી મારી દીધી હતી.
તેઓ ભાજપ તરફથી પટના સિટી ચોકના ભૂતપૂર્વ મ્યુનિસિપલ બોર્ડ પ્રમુખ હતા.આ મામલામાં ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે સવારે 6 વાગે માહિતી મળી કે મુન્ના શર્મા નામના વ્યક્તિની ગુનેગારોએ હત્યા કરી નાખી છે. તેના પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ તેનું મોત નીપજ્યું. ઘટના સ્થળની આસપાસના સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે. બનાવ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટના અંગે મૃતકના મિત્રએ જણાવ્યું કે તે ખૂબ જ વ્યવહારુ અને લડાયક વ્યક્તિ હતાં. તેઓ ભાજપના પટણા સિટી ચોકના ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ હતા. સવારે જ્યારે અમે આવ્યા ત્યારે અમને ખબર પડી કે તેની હત્યા કરવામાં આવી છે. અમે લગાવેલા કેમેરામાંથી વીડિયો જોતા એવું જાણવા મળ્યું છે કે તે મંદિરના દર્શન કર્યા પછી બહાર આવ્યા હતાં અને કોઈની સાથે વાત કરી રહ્યા હતાં. આ દરમિયાન એક બાઇક પર બે શખ્સો આવ્યા હતા અને તેમના ગળામાંથી ચેઇન ઝૂંટવી, મોબાઇલ ફોન આંચકી લીધો હતો અને માથામાં ગોળી મારીને ભાગી ગયા હતા.તેમના ગળામાં સોનાની ચેઇન હતી. બદમાશોએ તે ઝૂંટવી લેવા પ્રયાસ કર્યો. આ દરમિયાન ઝપાઝપી થતાં બદમાશોએ તેમને ગોળી ધરબી દીધી હતી.