રિપોર્ટ@દેશ: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, નાપાસ વિદ્યાર્થીઓને ઉપરના ધોરણમાં નહીં મળે પ્રમોશન

 
શિક્ષણ
ધોરણ-5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનારા વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શિક્ષણ પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે. મંત્રાલયનો ડિટેન્શન પોલિસી’ ખતમ કરી દીધી છે. આ નિર્ણય મુજબ હવે ધોરણ-5 અને ધોરણ-8ના અસફળ થનારા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓને પોતે જે ધોરણમાં હતા, તે ધોરણ પાસ કરવા માટે વધુ એક તક અપાશે. આ નવી પોલિસીનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં અને શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવાનો છે.કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો લાવવાના આશયથી ‘નો ડિટેન્શન પોલિસી’ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

આ પોલિસી અંગે ઘણા વર્ષોથી ચર્ચાઓ ચાલતી હતી, જોકે હવે નવા નિયમ મુજબ ધોરણ-5 અને ધોરણ-8ની વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનારા વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવશે.ધોરણ-5 અને ધોરણ-8 માટેના નવા નિયમ મુજબ, નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનાની અંદર ફરી પરીક્ષા આપવાની તક અપાશે. આ પરીક્ષામાં પણ નાપાસ થશે તો તેમને આગામી ધોરણમાં પ્રમોટ કરવામાં નહીં આવે.

આ સાથે સરકારે એવું પણ કહ્યું છે કે, ‘ધોરણ 8 સુધી કોઈપણ વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં.’ મંત્રાલયના આ નિર્ણયથી કેન્દ્રીય વિદ્યાલયો, નવોદય વિદ્યાલયો અને સૈનિક શાળાઓ સહિત 3000થી વધુ કેન્દ્ર સરકાર સંચાલિત શાળાઓને અસર થશે.શિક્ષણ મંત્રાલયના સચિવ સંજય કુમારે કહ્યું કે, વિદ્યાર્થીઓના ભણતરમાં વધુ સુધારો થાય તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.