રિપોર્ટ@દેશ: ચૂંટણીના માહોલ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણ, 3ને ઠાર કર્યા

 
આતંકવાદી
એન્કાઉન્ટર અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીના માહોલ વચ્ચે કુપવાડા અને રાજૌરીમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. એન્કાઉન્ટર પૂર્ણ થયા બાદ વધુ બેથી ત્રણ આતંકીઓના મોતની પુષ્ટિ થઈ શકે છે. ઘૂસણખોરીની આશંકા સાથે સંબંધિત ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા 28-29 ઓગસ્ટની રાત્રે કુપવાડાના તંગધારના સામાન્ય વિસ્તારમાં સંયુક્ત ઘૂસણખોરી વિરોધી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના કુમકડી વિસ્તાર અને તંગધાર સેક્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હોવાની માહિતી સામે આવી છે. બીજી તરફ રાજૌરીમાં થયેલા એન્કાઉન્ટરમાં પણ આતંકવાદીના મોત થઈ શકે છે. એન્કાઉન્ટર અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે અને સેનાએ આતંકવાદીઓના મૃતદેહ રિકવર નથી કર્યા. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયેલા છે. આતંકીઓનો ખાત્મો કરીને વિસ્તારમાં સેનાની સ્થિતિ મજબૂત કરવા માટે વધુ સૈનિકો મોકલવામાં આવ્યા છે.

કુપવાડા એન્કાઉન્ટર પર એક અધિકારીએ જણાવ્યું કે, સાંજે 7:40 વાગ્યે ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓની ગતિવિધિની માહિતી મળી હતી. ત્યારબાદ તાત્કાલિક સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો અને સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટર થયું હતું. રાજૌરી અંગે અન્ય એક અધિકારીએ જણાવ્યું કે બુધવારે રાત્રે 9:30 વાગ્યે રાજૌરી જિલ્લાના ખેરી મોહરા લાઠી અને દંથલના સામાન્ય વિસ્તારમાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.