રિપોર્ટ@દેશ: સીએમ ભુપેન્દ્ર પટેલ આજે દિલ્હીમાં, વડાપ્રધાન મોદી અને અમિત શાહને મળશે
પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ પણ બેઠકમાં સામેલ થાય તેવી ધારણા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ આજે તેમના ખાસ વિમાનમાં દિલ્હી જવા રવાના થતા જ ફરી એક વખત રાજયમાં રાજકીય તર્કવિતર્કની ચર્ચા થવા લાગી છે. તેઓ તેમની દિલ્હી મુલાકાત સમયે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહને મળનાર છે. તેમની આ મુલાકાત ઓચિંતી નથી તે સ્પષ્ટ થયુ છે. સામાન્ય રીતે દર બુધવારે મળતી રાજય કેબીનેટ બેઠક એક દિવસ વહેલી એટલે કે ગઈકાલે મંગળવારે જ બોલાવી લેવામાં આવી હતી.ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ પણ સંસદનું સત્ર ચાલતું હોવાથી દિલ્હીમાં જ છે અને તેથી તેઓ પણ આ બેઠકમાં સામેલ થાય તેવી ધારણા છે. ભુપેન્દ્ર પટેલ તેમની સરકારની છેલ્લા ત્રણ માસની કામગીરીનો રિપોર્ટ રજુ કરવા દિલ્હી ગયા છે. ગુજરાતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી શ્રી અમીત શાહનું હોમગ્રાઉન્ડ છે અને બન્ને નેતાઓ ગુજરાત અંગે સતત અપડેટ રહે છે.
ગુજરાતમાં આગામી સમયમાં ઓલિમ્પિક તૈયારીને સૌથી મહત્વ અપાઈ રહ્યુ છે અને અમદાવાદ તેનું કેન્દ્ર બનશે તે સમયે આ શહેરને વર્લ્ડ કલાસ સીટી તરીકે દર્શાવવા અને આધુનિક સુવિધાઓ માટે સરકાર આતુર છે અને 2036ના ઓલિમ્પિકના દાવા માટે મજબૂત બ્લુપ્રિન્ટ જરૂરી છે તેથી તે માટે પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. મહત્વનું એ છે કે, ગુજરાતમાં લાંબા સમયથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા છે.શ્રી ભુપેન્દ્ર પટેલ પ્રારંભથી જ મર્યાદીત મંત્રીઓ સાથે સરકાર ચલાવે છે તો ભાજપના 156 બેઠકો પર વિજય બાદ લાંબા સમયથી આ ચર્ચા છે પણ એક યા બીજા કારણોથી મંત્રીમંડળ વિસ્તરણ થયુ નથી પણ હવે સંભવત આ એજન્ડા હાથમાં લેવાયો હોય તો તેની પણ ચર્ચા થશે તેવુ સૂત્રો કહ છે.
ખ્યાતિ હોસ્પીટલ કાંડે ગુજરાતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જે કૌભાંડ ચાલે છે તેને ખુલ્લા કર્યા છે અને સરકારને એક બાદ એક હોસ્પીટલોને આ યોજનામાંથી સસ્પેન્ડ કરવાની ફરજ પડી રહી છે. ઉપરાંત સરકારી અધિકારીઓની સંડોવણી પણ ખુલ્લી છે. આમ વડાપ્રધાનની આ મહત્વાકાંક્ષી યોજનાને તેના ગૃહ રાજયમાં જ જે રીતે ભ્રષ્ટાચારનો લુણો લાગી ગયો તે વડાપ્રધાન માટે ચિંતા હોઈ શકે છે. જો કે ગુજરાત સરકાર કંઈ છુપાવ્યા વગર જ 'ઓલ-કલીન' કરવા માટે જે રીતે આગળ વધી રહી છે તે સરકારની મકકમતા દર્શાવે છે. આ અંગે પણ ચર્ચા થાય તે શકય છે.