રિપોર્ટ@દેશ: રાહુલ ગાંધી વિરુદ્ધ આ રાજ્યમાં 30 જિલ્લાઓમાં ફરિયાદ, જાણો વિગતવાર

 
રાહુલ ગાંધી

જરૂરત પડ્યે તેમની ધરપકડ પણ થવી જોઈએ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમેરિકા પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ આપેલા નિવેદનોનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. હવે આ મુદ્દે તમિલનાડુના ચેન્નઈમાં ભાજપ નેતાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સામે અલગ-અલગ જિલ્લાની 30 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાજપ નેતા ડૉ. વેંકટેશ મૌર્યએ અમેરિકામાં રાહુલ ગાંધીના અનામત મુદ્દે આપેલા નિવેદન પર ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં મૌર્યએ કહ્યું છે કે, 'રાહુલ ગાંધીએ જાહેરમાં દાવો કર્યો હતો કે, ભાજપ સત્તામાં આવશે તો એસસી-એસટી અને ઓબીસી અનામત ખતમ કરી દેશે.'

ભાજપ નેતા વેંકટેશ મૌર્યએ વિરોધ કરતા કહ્યું કે, 'વિપક્ષના નેતા અને સાંસદ હોવાના કારણે રાહુલ ગાંધીએ દેશની બહાર આ પ્રકારની વાત ન કરવી જોઈએ. તે દેશની અંદર કંઈપણ બોલી શકે છે. વિદેશમાં તેઓએ ભારત સરકાર, એસસી-એસટી અને ઓબીસી સંબંધિત દુષ્પ્રચાર કર્યો છે. અમે પોલીસમાં રાહુલ ગાંધીની સામે ફરિયાદ કરીને તેમની સામે દેશ વિરોધી કલમો હેઠળ ગુનો નોંધવાની માગ કરી છે. જરૂરત પડ્યે તેમની ધરપકડ પણ થવી જોઈએ. અમે સ્પીકર પાસે પણ માગ કરી છે કે, તેમનું સંસદનું સભ્યપદ રદ કરી દેવું જોઈએ.અમે 30 સપ્ટેમ્બરે ચેન્નઈમાં રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન પણ કરીશું. તેઓએ પોતાના નિવેદનને લઈને માફી માંગવી જોઈએ.'

અમેરિકા પ્રવાસ સમયે અલગ-અલગ કાર્યક્રમમાં સામેલ થઈને રાહુલ ગાંધીએ દેશમાં અનામતની સાથોસાથ બેકારી, ચીન અને શીખોને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. વોંશ્ગિટન ડીસીમાં જૉર્જટાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરતા સમયે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતમાં કુશળતાની કમી નથી, પરંતુ કુશળ લોકોનું સન્માન નથી થતું. રાહુલ ગાંધીને જ્યારે અનામતને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેઓએ કહ્યું કે, 'કોંગ્રેસ તેને ક્યારેય ખતમ કરવાનું નહીં વિચારે, દેશમાં તમામને સમાન અધિકારની તક મળવી જોઈએ. પરંતુ, હાલ ભારતમાં આવી સ્થિતિ નથી.' આ સિવાય રાહુલ ગાંધીએ ભારતની હાલની કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યાં હતા.