રિપોર્ટ@દેશ: કોંગ્રેસ તમામ રાજયોમાં 'જય બાપુ, જય ભીમ, જય બંધારણ'નું અભિયાન શરુ કરશે, જાણો વિગતે
મનમોહન સિંહની પ્રત્યે સન્માન અને શ્રદ્ધાના પ્રતીકના રૂપમાં અભિયાન સ્થગિત કરવામાં આવ્યું હતું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોંગ્રેસ દેશભરના તમામ તાલુકાઓ, જિલ્લાઓ અને રાજયોમાં 'જય બાપુ, જય ભીમ, જય બંધારણ'નું અભિયાન શરુ કરશે. આ અભિયાન ત્રીજી જાન્યુઆરીથી શરુ થશે અને 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિને મહૂમાં સંપન્ન થશે. આમ તો આ અભિયાન 27મી ડિસેમ્બરે શરુ થવાનું હતું, પરંતુ 26મી ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું અવસાન થયું અને તેમના સન્માનમાં સાત દિવસના રાજકીય શોકની જાહેરાતને પગલે અભિયાન મુલતવી રાખવામાં આવ્યું હતું.
કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી જયરામ રમેશે કહ્યું કે, 26મી ડિસેમ્બરે કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં પસાર કરાયેલા શોક પ્રસ્તાવમાં મનમોહન સિંહની પ્રત્યે સન્માન અને શ્રદ્ધાના પ્રતીકના રૂપમાં આ અભિયાન સ્થગિત કરવામાં આવ્યું હતું. આ અભિયાન ત્રીજી જાન્યુઆરી, 2025થી તમામ તાલુકાઓ, જિલ્લાઓ અને રાજ્યોમાં ફરીથી શરુ થશે. 26મી જાન્યુઆરીએ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મભૂમિ મહૂમાં રેલી યોજાશે, જે બંધારણ લાગુ થવાની 75મી વર્ષગાંઠ પણ છે.