રીપોર્ટ@ગુજરાત: અમુલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયાનો વધારો ઝીંકતા ગ્રાહકોએ ઠાલવ્યો આક્રોશ

 
ગોલ્ડ
વધારાની સીધી અસર અન્ય ડેરી પ્રોડક્ટ્સ પર પણ જોવા મળશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઘરે-ઘરે જાણીતી ડેરી બ્રાન્ડ અમુલ દ્વારા દૂધના ભાવોમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને વડોદરા શહેરમાં સામાન્ય જનતામાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અમુલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારના માસિક બજેટમાં મોટું ગાબડું પડ્યું છે. દૂધ એ એવી અનિવાર્ય અને રોજેરોજ ખરીદવાની વસ્તુ છે જેના વગર એક પણ દિવસ ચાલતું નથી, તેથી આ ભાવવધારાની સીધી અસર દરેક ઘરના રસોડા પર પડી છે.

દૂધના ભાવ વધારાની સીધી અસર અન્ય ડેરી પ્રોડક્ટ્સ પર પણ જોવા મળશે. નાગરિકોના જણાવ્યા મુજબ હવે છાશ, બટર, ઘી અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની પૂરી શક્યતા છે, જેનાથી મોંઘવારીનો બોજ વધુ વધશે. આ અંગે રોષ વ્યક્ત કરતા ગ્રાહકોએ જણાવ્યું હતું કે, "અગાઉના સમયમાં જ્યારે માત્ર ૨૫ પૈસા પણ વધતા ત્યારે મોટા આંદોલન થતા હતા, પરંતુ આજે દૂધના ભાવમાં સીધા 4 રૂપિયાનો વધારો થયો છતાં કોઈ બોલનાર નથી." સામાન્ય માણસની આ પીડા દર્શાવે છે કે મોંઘવારી સામે હવે લોકો લાચાર બનતા જઈ રહ્યા છે.વડોદરામાં દૂધ ખરીદવા આવતા ગ્રાહકોની બાઇટ્સ અને પ્રતિક્રિયાઓમાં સરકાર સામે રોષ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો હતો.જનતાનું કહેવું છે કે સરકારે મોંઘવારી પર કંટ્રોલ લાવવા માટે તાત્કાલિક ધોરણે નક્કર પગલાં લેવા જોઈએ. રોજબરોજની ખાણીપીણીની વસ્તુઓ જ જો આ પ્રકારે મોંઘી થતી જશે તો સામાન્ય પરિવાર માટે ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ બની જશે.