રિપોર્ટ@દેશ: રાજીનામાં બાદ ધર્મેન્દ્ર પ્રધાનનું નવેદન, NEET વિવાદ અંગે શુ કહ્યું? જાણો

 
ધર્મેન્દ્ર પ્રધાન
તેમણે કહ્યું કે મંત્રીનું પદ તેમના માટે ક્યારેય વ્યક્તિગત મહત્વાકાંક્ષા રહ્યું નથી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ધર્મેન્દ્ર પ્રધાને પહેલીવાર જાહેર મંચ પરથી પોતાના નિર્ણય અંગે વાત કરી છે. ભુવનેશ્વરની જીએમ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધતા તેમણે NEET પેપર લીક વિવાદ દરમિયાન બનેલી પરિસ્થિતિ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું.ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે NEET વિવાદ દરમિયાન કેટલાક લોકો દ્વારા નવી પેઢીના યુવાનો એટલે કે Gen-Zને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓ અને યુવાનો દેશનું ભવિષ્ય છે અને તેમના હિતને કોઈપણ રાજકીય પદ કરતાં વધુ મહત્વ આપવું જોઈએ.

જંતર-મંતર સહિતના સ્થળોએ NEET મુદ્દે થયેલા વિરોધ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને 25 જુલાઈ 2026ના રોજ શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું કે મંત્રીનું પદ તેમના માટે ક્યારેય વ્યક્તિગત મહત્વાકાંક્ષા રહ્યું નથી. તેમણે પોતે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંપર્ક કરીને રાજીનામું આપવાની રજૂઆત કરી હોવાનું પણ જણાવ્યું.પ્રધાને કહ્યું કે ભારતમાં દર વર્ષે મોટી સંખ્યામાં બાળકો જન્મે છે અને આગામી સમયમાં આ જ યુવા પેઢી દેશને આગળ લઈ જશે. તેમના મતે ભારતને વિશ્વમાં વધુ મજબૂત સ્થાન અપાવવામાં યુવાનોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ રહેશે.

ઓડિશાના રાયરાખોલમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેડી પ્રમુખ નવીન પટનાયક પર પણ આકરા પ્રહારો કર્યા હતા.તેમણે પોતાના વિરોધમાં કરવામાં આવેલા પ્રદર્શન અને ‘ધર્મેન્દ્ર પ્રધાન પાછા જાઓ’ જેવા નારાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ ખેડૂતના પુત્ર છે અને કોઈ તેમને પાછા જવાનું કહે તો પણ તેઓ ઓડિશાના લોકો વચ્ચે પાછા ફરતા રહેશે.પ્રધાને નવીન પટનાયક પર યુવાનોને પોતાની વિરુદ્ધ ભડકાવવાનો આક્ષેપ પણ કર્યો. તેમણે સવાલ કર્યો કે તેમણે એવું કયું કામ કર્યું છે જેના કારણે ઓડિશાના લોકોએ શરમ અનુભવવી પડે?

તેમણે વધુમાં કહ્યું કે રાજ્ય માટે ગૌરવ વધારવાનું કામ ન કરી શકે તો પણ તેઓ એવું કોઈ કામ નહીં કરે જેના કારણે ઓડિશાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે.આ સમગ્ર ઘટનામાં ખાસ વાત એ રહી કે ધર્મેન્દ્ર પ્રધાન જ્યારે બીજેડી પર આકરા પ્રહાર કરી રહ્યા હતા ત્યારે તેમની સાથે મંચ પર બીજેડીના ધારાસભ્ય અને ઓડિશા વિધાનસભાના ઉપનેતા પ્રસન્ન આચાર્ય પણ હાજર હતા. તેઓએ જણાવ્યું કે કાર્યક્રમમાં આવતા પહેલાં તેમણે પ્રસન્ન આચાર્ય સાથે વાત કરી હતી અને તેમના આમંત્રણ બાદ જ તેઓ કાર્યક્રમમાં પહોંચ્યા હતા.ધર્મેન્દ્ર પ્રધાને અંતમાં સ્પષ્ટ કર્યું કે તેમનું રાજકીય જીવન ઓડિશાના વિકાસ અને રાજ્યના લોકોની સેવા સાથે જોડાયેલું છે.