રીપોર્ટ@દેશ: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ચૂંટણીની જાહેરાત, જાણો ક્યારે થશે મતદાન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યસભાની 37 બેઠકો પર ચૂંટણીની તારીખોની જાહેરાત બુધવારે કરવામાં આવી છે. આ 37 બેઠકો માટે 16 માર્ચના રોજ ચૂંટણી યોજવામાં આવશે. મહારાષ્ટ્રની 7, પશ્ચિમ બંગાળ અને બિહારની 5-5 બેઠકો પર ચૂંટણી યોજાશે. તમિલનાડુની 6 બેઠકો પર ચૂંટણી યોજવામાં આવશે. શરદ પવાર, રામદાસ આઠવલે, કનિમોઝી, તિરુચિ શિવા અને રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશનો કાર્યકાળ 2 એપ્રિલના રોજ પૂર્ણ થઈ રહ્યો છે.
રાજ્યસભાની 37 બેઠકો માટે 26 ફેબ્રુઆરીએ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો 5 માર્ચ સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે. 6 માર્ચે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો 9 માર્ચ સુધીમાં પોતાનું નામાંકન પાછું ખેંચી શકે છે. 16 માર્ચે મતદાન થશે, જેનો સમય સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધીનો રહેશે. આ જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. 20 માર્ચ સુધીમાં ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે.મહારાષ્ટ્રમાં સાત બેઠકો ખાલી થઈ રહી છે. ઓડિશામાં ચાર બેઠકો પર મતદાન થશે. તમિલનાડુમાં 6 બેઠકો ખાલી થઈ રહી છે. પશ્ચિમ બંગાળમાંથી 5 બેઠકો ખાલી થઈ રહી છે. અસમમાં ત્રણ બેઠકો પર મતદાન થશે. બિહારમાં 5 બેઠકો ખાલી થઈ રહી છે. છત્તીસગઢમાં બે બેઠકો પર મતદાન થશે. હરિયાણામાં પણ બે બેઠકો ખાલી થઈ રહી છે. હિમાચલ પ્રદેશમાં એક બેઠક ખાલી થઈ રહી છે, જ્યારે તેલંગાણામાં બે બેઠકો પર મતદાન થશે.

