રીપોર્ટ@દેશ: બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, ભાજપના 4 કાર્યકરોની અટકાયત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બિહાર વિધાનસભા ચૂંટણી-2025ના પહેલા તબક્કાનું મતદાન આજે શરૂ થઈ ગયું છે. 121 બેઠકો પર આજે સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થયું. ચૂંટણીના પહેલા તબક્કામાં 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. જેમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો તેજસ્વી યાદવ અને ભાજપના ઉમેદવાર સમ્રાટ ચૌધરી સિવાય વિજયકુમાર સિન્હાની સાથે-સાથે 16 મંત્રીઓનું ભાવિ દાવ પર છે.
તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પરથી સતત ત્રીજી જીત મેળવવાની કોશિશમાં છે. તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપના સતીશ કુમાર છે, જેમણે 2010માં જનતા દળની ટિકિટ પર તેજસ્વીની માતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને હરાવ્યા હતા. જન સુરાજ પાર્ટીએ રાઘોપુર બેઠક પરથી ચંચલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.બિહારમાં પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી અને કદાવર નેતા લાલુ પ્રસાદ યાદવે લોકોને સોશિયલ મીડિયા દ્વારા વોટ અપીલ કરતા કહ્યું કે તવા પર રોટી પલટાતી રહેવી જોઇએ નહીંતર તે બળી જશે. 20 વર્ષ લાંબો સમય કહેવાય! હવે યુવા સરકાર અને નવા બિહાર માટે તેજસ્વી સરકાર અતિ આવશ્યક બની ગઈ છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું, "લોકશાહીમાં મતદાન એ ફક્ત આપણો અધિકાર જ નથી, પણ આપણી જવાબદારી પણ છે. આજે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે મતદાનનો પ્રથમ તબક્કો થઈ રહ્યો છે. બધા મતદારોને તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું. મતદાન કરો અને બીજાઓને પણ પ્રેરણા આપો. પહેલા મતદાન કરો, પછી જલપાન કરજો!"બિહારના શરીફમાં મતદાન વખતે જ સ્લિપ વહેંચવાના આરોપમાં ભાજપના ચાર કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસે કહ્યું કે આ લોકો મતદારોને સ્લિપની વહેંચણી કરી રહ્યા હતા. મુજફ્ફરપુરમાં મતદારો બગડ્યા છે. તેમણે ઓવર બ્રિજ અને રસ્તો બનાવવા મામલે મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. લગભગ ત્રણ જેટલા બૂથ પર આવી સ્થિતિ જોવા મળી હતી.

