રિપોર્ટ@દેશ: તિરુપતિ મંદિર પ્રસાદ વિવાદ પર પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદની પ્રતિક્રિયા, જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
તિરુપતિ મંદિરના પ્રસાદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે પ્રસાદમાં ભેળસેળને ખૂબ જ ચિંતાજનક ગણાવી છે. તેમણે આજે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે આ ઘટના સામે આવ્યા બાદ હિંદુઓમાં પ્રસાદ પ્રત્યે જે શ્રદ્ધા હોય છે તેમાં શંકા ઉત્પન્ન થઈ ગઈ છે. તેઓએ આગળ કહ્યું કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી એક ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. હું બનારસમાં રહેતા છતાં બાબા વિશ્વનાથના દર્શન કરવા ન જઈ શક્યો. પરંતુ મારા કેટલાક સાથીઓ દર્શન કરવા માટે ગયા હતા.
ત્યાંથી આવીને તેમણે મને બાબાનો પ્રસાદ આપ્યો, તે પ્રસાદ મારા હાથમાં આવતા જ મને અચાનક જ મને અચાનક તિરુપતિ મંદિરનો પ્રસાદ યાદ આવ્યો. હું એકલો જ નથી જેની પ્રસાદમાં અતૂટ શ્રદ્ધા છે. પરંતુ ભેળસેળનો જે મામલો સામે આવ્યો છે તે હિંદુ શાસ્ત્રોમાં પાપ સમાન છે. તિરુપતિ મંદિરના પ્રસાદમાં પશુઓની ચરબીની ભેળસેળનો મામલો સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ પણ આ મામલે સીએમ ચંદ્રાબાબુ નાયડુ સાથે વાત કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું હતું કે આ મામલામાં જે પણ દોષિત જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
તિરુપતિ મંદિરમાં પ્રસાદ બનાવતી વખતે બીફ ફેટ અને ફિશ ઓઈલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ ખુલાસો તિરુપતિ મંદિરના પ્રસાદની તપાસ અંગે આવેલા રિપોર્ટમાં થયો છે.આ મામલે આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડુએ થોડા દિવસો પહેલા આરોપ લગાવ્યો હતો કે, અગાઉની સરકારના સમયમાં તિરુપતિ મંદિરના પ્રસાદ બનાવવામાં ઘીના બદલે પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ આરોપોને ધ્યાનમાં રાખીને મંદિરમાંથી પ્રસાદના નમૂનાને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. હવે આ તપાસનો રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ થયો હોવાનો ખુલાસો થયો છે.